યુરોલોજીના બંધ વોર્ડના એસી ડક માંથી ચોર અંદર ઘુસી ચોરી કરી ગયો. તંત્ર ઊંઘતું ઝડપાયું.
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા માટે સલામતી એજન્સી સહિત, જી.આઇ.એસ. એફ અને હોમગાર્ડ દ્વારા દિવસ રાત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. જેની પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અવારનવાર સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા અને સલામતી બાબતે પ્રશ્નો ઉભા થતા આવ્યા છે. દર વખતે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે વધુ ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે.
દર્દીઓના મોબાઈલ ફોન, પાકીટ કે અન્ય માલ સામાન ચોરાય તે વાત હવે જૂની થઇ ગઈ છે. ચોરોએ સિવિલ હોસ્પિટલની સલામતી નું સુરસુરિયું કરી દીધું છે. સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા માટે સલામતી એજન્સી પાછળ લાખો રૂપિયા આપવામાં આવે છે પણ ચોરોએ સલામતીનું પરિણામ શૂન્ય કરી દીધું છે.
સિવિલ હોસ્પિટલમાં આવેલ જૂનો યુરોલોજી વિભાગ આમ તો ઘણા સમયથી બંધ છે. પરંતુ યૂરોલોજી વિભાગના બંધ વોર્ડમાં કીમતી ઓપરેશન મશીનો તથા અન્ય સરસામાન પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે ચોરે ચોરી કરવા અનોખો કીમિયો ગોઠવ્યો.
ચોરનો કીમિયો:
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોરી કરવા માટે ચોર દ્વારા પહેલી વખત મુખ્ય રસ્તાનો નહિ પરંતુ એસી ડક નો ઉપયોગ કર્યો છે. ચોરે ચોરીને અંજામ આપવા માટે યુરોલોજી વિભાગના એસી વિન્ડો ના માર્ગથી ચોરી કરી અને કેટલોક સામાન ચોરી કરી ફરાર થઈ ગયો. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ચોરીના મામલે સલામતીના દીવા તળે અંધારું નથી દેખાઈ રહ્યું પરંતુ લુલો બચાવ કરતા હોય તેમ માત્ર તાંબાના વાયર ચોરાયા એમ કહેવામાં આવી રહ્યું છે.
યુરોલોજી વિભાગમાં ચોરી થયાની જાણકારી સાથે જ સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ યુરોલોજી વિભાગે પહોંચ્યા હતા અને ચોરીની પુષ્ટિ થતાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સીસીટીવી બંધ કે કાર્યરત
સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દર્દીનો મોબાઈલ કે સર સામાન ચોરાય તો મોટા ભાગે સીસીટીવી કેમેરા ઉપર આધાર રાખવો પડે છે જેમાં સદનસીબે ચોર ચોરી કરતો દેખાય તો પોલીસ ને જાણકારી આપવામાં આવે છે. ત્યારે યુરોલોજી વિભાગમાં થયેલ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે પછી અહી ચોર નસીબદાર નીકળે છે તે જોવું રહ્યું.