પુજા ખેડકર ઈફેકટ: ગુજરાતના પાંચ IAS ને ફરી મેડીકલ ટેસ્ટ કરાવવા આદેશ
આઈપીએસ અને આઈએફએસ સુધી રેલો: વિકલાંગ કવોટામાં નોકરી મેળવનારા અધિકારીઓને ફરીથી પ્રમાણપત્ર રજુ કરવાના રાજય સરકારના એકશનથી સનદી લોબીમાં ખળભળાટ
અમદાવાદ સીવીલ અથવા રાજકોટની એઈમ્સમાં અધિકારીઓના મેડીકલ ટેસ્ટ થવાનો નિર્દેશનો મેસેજ વાયરલ થતાં સમગ્ર મીડિયા જગત અને સરકારી બાબુઓની લોબીમાં આજે એક જ ચર્ચા ચકડોળે ચઢી. કે, આજે મેડિકલ ટેસ્ટ થવાના અને ફીટ સાબીત થવાના સંજોગોમાં નોકરી પર જોખમ સર્જાશે.
અત્ર ઉલેખનીય છે કે, ખોટા પ્રમાણપત્રના આધારે આઈએએસની નોકરી મેળવવાના પુજા ખેડકરના પ્રકરણના પડઘા ગુજરાતમાં પણ પડયા હોય તેમ વિકલાંગ કવોટા હેઠળ નોકરી મેળવનાર ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીના ફરીથી મેડીકલ ટેસ્ટ કરાવવાના આદેશના વાયરલ મેસેજ થી અધિકારી વર્ગમાં ખળભળાટ સર્જાયો છે. આ રેલો આઈપીએસ આઈએફએસ સુધી પણ પહોંચવાના ભણકારા છે.
આઈએએસ અધિકારી પુજા ખેડકરે બનાવટી પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવ્યાનો ખુલાસો થયા બાદ તેની ઉમેદવારી રદ કરી નાંખવામાં આવી હતી અને આ પ્રકરણમાં દેશભરમાં ખળભળાટ સર્જાયો હતો. આ પ્રકરણ બાદ ગુજરાત સરકાર પણ એકશનમાં આવી હોય તેમ રાજયમાં ફરજ બજાવતા અને વિકલાંગ કવોટા હેઠળ નોકરી મેળવનારા પાંચ આઈએએસ અધિકારીઓની તપાસના આદેશ કરવામાં આવ્યાની ચર્ચા છે.
પાંચ અધિકારીઓ માંથી એક અધિકારી સીનીયર લેવલ પર ફરજ બજાવી રહ્યા છે. આ તમામને મેડીકલ ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ સીવીલ હોસ્પિટલ ઉપરાંત રાજકોટ એઈમ્સમાં મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવે તેવી શકયતા વહેતી થઈ હતી.
સતાવાર રીતે સરકાર દ્વારા હજુ આ બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ પાંચ આઈએએસ અધિકારીઓના નવેસરથી મેડીકલ ટેસ્ટ કરાવવાના કથિત આદેશને પગલે સનદી લોબીમાં ખળભળાટ સર્જાયો છે.
ગુજરાતમાં પણ વિકલાંગ કવોટામાં નોકરી મેળવનારા અધિકારીઓએ બોગસ પ્રમાણપત્રો રજુ કર્યા હોવાની રજુઆત બાદ સરકારે એકશનમાં આવીને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના આ પાંચ અધિકારીઓ પૈકીના એક સીનીયર અધિકારી દ્રષ્ટિ હીનતા અને ત્રણ જુનીયર સ્તરે કાર્યરત અધિકારીઓ લોકોમોટીવ ડિસએબીલીટી ધરાવતા હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રમાણપત્રોની હવે ચકાસણી કરશે અને મેડીકલ ટેસ્ટના આધારે નવા પ્રમાણપત્રો મેળવવા પડશે. સૂત્રોના કહેવા પ્રમાણે આઈએસ અધિકારીઓ વિકલાંગતા પ્રમાણપત્રો મેળવવામાં નિષ્ફળ જાય અને ફીટ સાબીત થવાના સંજોગોમાં નોકરી પર પણ જોખમ સર્જાઈ શકે છે.
એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, માત્ર આઈએએસ નહી પરંતુ આઈપીએસ અને આઈએફએસ કેડરમાં પણ વિકલાંગ કવોટામાં નોકરી મેળવનારા અધિકારીઓ પર પણ તલવાર તોડાઈ રહી છે અને તેઓને પણ નવેસરથી મેડીકલ ટેસ્ટ કરાવીને સર્ટીફીકેટ રજુ કરવાનું કહેવામાં આવે તેવી સંભાવના છે.