અમદાવાદ: રાજ્યભરમાં ઠેકઠેકાણેથી ભેળસેળયુક્ત ઘીના ઉપયોગ થવાના ઘણા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં લાખો રૂપિયાનું ભેળસેળયુક્ત ઘી પકડાયુ છે. ત્યારે હવે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યુ છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા સરકાર સામે બાયો ચઢાવી છે.
તેમણે જણાવ્યુ કે, ભળસેળયુક્ત ઘીનુ વેચાણ રાજ્યમાં ખુબ વધી ગયુ છે. થોડા પૈસાની લાલચે વેપારીઓ ભળસેળયુક્ત ધીનો ઉપયોગ કરી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં લાખો રૂપિયાનું ભેળસેળયુક્ત ઘી પકડાયુ છે. ખુદ પૂર્વ મુખ્યમંત્રી 1000 ઘીના ડબ્બા પૈકી 600 ડબ્બામાં ભેળસેળયુક્ત ઘી છે તેમ કબૂલી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 12 વર્ષમાં 1914 કેસ ભળસેળયુક્ત ઘીના નોંધાયા છે. જેમાંથી ફક્ત 235 કેસનો નિકાલ આવ્યો છે. અને બાકીનાનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.
અમદાવાદમાં માત્ર16 ફૂડ સેફ્ટી ઓફીસરો
મનીષ દોશીએ નિવેદનમાં જણાવ્યુ કે, અમદાવાદ જેવા મોટા શહેરમા 16 ફૂડ સેફ્ટી ઓફીસરો છે. હાલમાં શહેરમાં એક જ હરતી ફરતી લેબ કાર્યરત છે. ફુડ સેફ્ટીને લઈને રાજ્યમાં ખુબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા છે. તેમણે કહ્યુ કે, અમદાવાદમાં ઘણી હોટલો અને રેસ્ટોરન્ટમાં ભળસેળયુક્ત ઘીનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવા માટે થાય છે. પરંતુ જ્યારે વાનગીઓમાં ભળસેળયુક્ત વસ્તુઓની મિલાવટ સામે આવે ત્યારે કેસ નોંધાતો હોય છે. ત્યારબાદ હોટલો કે રેસ્ટોરન્ટોની તપાસ થતી હોય છે પણ એ પહેલા આ વાનગીઓ ગ્રાહક જમીને જાય પછી રિપોર્ટ આવે તો એ શું કામનુ.
ભેળસેળયુક્ત ઘીના વેચાણમાં ભ્રષ્ટાચાર
વર્ષ 2007 માં ફૂડ સેફ્ટી એક્ટ અમલમાં આવ્યો. ત્યારબાદ મોદી સરકારમાં ભેળસેળિયાઓને મોકળુ મેદાન મળી ગયુ. ભેળસેળયુક્ત ઘીના વેચાણમાં ભ્રષ્ટાચાર વધ્યુ. ભેળસેળિયાઓએ કાયદાનાં લીરે લીરા ઉડવતા ભેળસેળયુક્ત ઘીનુ વેચાણ શરૂ કરી દીધુ. ભેળસેળિયાઓને મોકળુ મેદાન મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા જ કરાઈ છે. અમદાવાદમાં 12 વર્ષમાં 1914 કેસ પૈકી 235નો નિકાલ થયો છે. બાકીના કેસોનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ જુના માર્કેટિંગ યાર્ડમાં બે મહિના પૂર્વે મનપાની ફૂડ શાખાએ તેલના વેપારીને ત્યાં દરોડો પાડી રૂ.1.13 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. ઘી ભેળસેળયુક્ત હોવાનો રિપોર્ટ આવતા પોલીસે વેપારી સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘીનો જથ્થો વામજના નૌશાદ પાસેથી ખરીદ કર્યાનું વેપારીએ કબુલાત કરી હતી.