વાહન ચાલકો હેલ્મેટ વગર પ્રવેશી નહિ શકે! હેલ્મેટ નહિ તો પ્રવેશ નહિ
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગના કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આજથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ચુસ્તપણે હેલ્મેટના નિયમનું પાલન કરાવવામાં આવશે.
જો કોઈ કર્મચારી કે મુલાકાતી હેલ્મેટ વગર ટુવ્હીલર પર આવશે તો કચેરીમાં પ્રવેશ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ અમદાવાદ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફક્ત કર્મચારીઓ માટે નહિ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા તમામ લોકોએ હેલ્મેટના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
આ પહેલા રાજ્ય સરકાર દ્વારા ૧૯મી ઓકટોબરના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે બે મહિના મોડા તો મોડા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પણ હવે જાગ્યા છે. ૨જી ડિસેમ્બરના રોજથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પણ હવે મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ મુજબ નિયમ – ૧૨૯ હેઠળ દ્વીચક્રીય વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા અમદવાદના પરિસરમાં દ્વીચક્રીયવાહન મારફતે આવતા જતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફ માટે વાહન ચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારી કર્મચારીએ ફરજિયાત પણે નિયત ધોરણસરની હેલ્મેટ પહેરીને જ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્રવેશ કરવાનો રહેશે.
વિવાદ: એક તરફ રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટના ચુસ્ત નિયમ બાબતે સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ અને અધિકારી માટે નિયમના ચુસ્ત પાલન માટે પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સત્તાધીશ દ્વારા પણ કર્મચારીઓ અધિકારીઓ અને સ્ટાફ માટે નિયમ બનાવ્યો છે પરંતુ દર્દીઓ અને દર્દીઓના સગાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિયમથી અજાણ હોવાના પગલે સારવાર માટે આવેલ દર્દી અને સગાઓ માટે નો હેલ્મેટ નો એન્ટ્રી નો નિયમ નો હેલ્મેટ નો સારવાર જેવો થઈ ગયો છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલ બહાર વાહન પાર્કિંગ કરાવવાનો નવો ધંધો શરૂ થાય તો નવાઈ નહિ.