રાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન માટે આજથી શરૂ કરાયું મધ્યસ્થ કેન્દ્ર
૩૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ- ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક કેન્દ્ર કાર્યરત રહેશે
કોરોનાના દર્દીઓ માટે કેન્સર હોસ્પિટલનુ ડેડીકેટેડ કોવિડ હેલ્થ કેર યુનિટ –હુંફ- અહેસાસનુ કેન્દ્ર
રાજકોટઃ કોરોનાની મહામારીએ વિશ્વ આખાને બાનમાં લીધુ છે. ગુજરાત સહિત આખો દેશ તેનો મક્કમ પડકાર ઝીલી રહ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ મહામારીના મક્કમ પડકાર રૂપે અનેક પગલા લેવાઈ રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે ‘રેમડેસિવીર ઈન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક લોકોને મળી રહે તે માટે સર્વગ્રાહી પગલા લેવાયા છે. રાજકોટ જિલ્લામાં વધતા જતા કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા જરૂરિયામંદ દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક ઉપલબ્ધ થાય તે માટે મધ્યસ્થ કેન્દ્ર આજથી કાર્યરત કરાયું છે.
રાજકોટ કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલી મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન માટે એક મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી શરુ થયેલ આ વિતરણ કેન્દ્ર ખાતે ૩૦૦૦ રેમડેસીવીર ઇન્જેક્શન જથ્થો ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવીર ઈન્જેક્શનની જરૂરિયાત મુજબ ડીમાન્ડ મૂકવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, કેસની હિસ્ટરી, દર્દીના આધાર કાર્ડની નકલ તથા દર્દીનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ અચૂક આપવાનો રહેશે.
રાજકોટ જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ સમયે રેમડેસિવીર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે આ મધ્યસ્થ કેન્દ્ર સવારે ૭ થી બપોરે ૨, બપોરે ૨ થી રાત્રે ૧૦ અને રાત્રે ૧૦ થી સવારે ૦૭ વાગ્યા સુધી એમ ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક કેન્દ્ર કાર્યરત રહેશે.
રાજકોટ જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ શહેરની ખાનગી હોસ્પિટલો મળી કુલ ૩૧ જેટલી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, નર્સિંગ હોમ તથા હોમ આઈશોલેશનમાં રહેલા દર્દીઓને કલેકટર ઓફિસના કંટ્રોલ રૂમ દ્વારા નક્કી કરવામાં આવે તે જ દર્દીઓને અહીંથી ઇન્જેક્શન મળી રહેશે. તેમજ રેમડેસિવીર ઇન્જેક્શનને સાચવવા માટે ૩૦ ડિગ્રીથી નીચા તાપમાનમાં સ્ટોર કરવી પડે છે એ માટે ફ્રીજની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે વ્યક્તિઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે તેના નામ નંબર મુજબ તેમનું દરરોજનું રજીસ્ટર પણ નિભાવવામાં આવશે. મધ્યસ્થ કેન્દ્ર ખાતે ઇન્જેક્શન લેવા આવતા લોકો માટે બેસવાની સગવડતા તેમજ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે.
બીજી તરફ કોરોના મહામારીની બીજી લહેરથી રાજકોટ શહેર તથા જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓ માટે કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત ડેડીકેટેડ કોવિડ હેલ્થ કેર યુનિટ પણ કાર્યા ન્વિત કરાયુ છે. અહીંના કેન્દ્ર ખાતે દાખલ થયેલા દર્દીઓના સગાઓ સવારે ૯ થી ૧૨.૩૦ અને બપોરે ૪.૩૦ થી સાંજે ૭.૩૦ કલાક દરમિયાન દર્દીની ઇચ્છા મુજબનો નાસ્તો કે અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી શકે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. તે ઉપરાંત દર્દીના સગાઓ બેસી શકે તે માટે કેન્સર હોસ્પિટલના પ્રાંગણમાં ડોમ બનાવવામાં આવ્યો છે , જ્યાં ખુરશી, પાણી તથા પંખાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ કેન્દ્ર ખાતેથી આજે ૬૧ વર્ષના જ્યોત્સનાબેન હંસગિરિ ગોસાઈ અને ૭૪ વર્ષના રૂગનાથભાઈ વશરામભાઈ ભોરણીયાને ૧૧ દિવસની કોરોનાની સઘન સારવાર પછી આજે રજા અપાઈ હતી. આ બંને દર્દીઓ તથા તેમના સગાઓએ અહીંની વ્યવસ્થા પરત્વે પૂરતો સંતોષ વ્યક્ત કર્યો હતો, અને કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવતા જણાવ્યું હતું કે, ‘ અહી અમને ખુબ સારી સારવાર મળી છે. એટલું જ નહી પરંતુ એક પરિવારની જેમ અહીંના સ્ટાફે અમને સાચવ્યા છે…કદાચ અમને ઝડપથી સાજા થવામાં દવા- સારવારની સાથે આ હુફ પણ ઉપયોગી પુરવાર થઈ છે…’ એમ તેમણે ઉમેર્યું હતું.
આજે ડિસ્ચાર્જ થનારા અન્ય દર્દીમાં ૫૬ વર્ષના અરવિંદભાઈ ભલાણીએ જણાવ્યું હતું કે, ‘ અહીં કાર્યરત ડોક્ટર અંજનાબેન ત્રિવેદી તથા ડોક્ટર ઇલ્યાસ જુનેજાએ અમારી નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખ્યું છે અને સંપૂર્ણ માનવીય અભિગમ સાથે અમારી સારવાર કરી છે, જે બદલ અમે જિલ્લા વહીવટી તંત્ર તથા અહીંના સમગ્ર સ્ટાફના ખુબ આભારી છીએ…’
કોરોનાની સારવાર અર્થે અહીં દાખલ થયેલા ૭૫ વર્ષના મગનભાઈ ખેરડીયાના પુત્ર હાર્દિકભાઈ કહે છે કે, ‘ અહીં મળતી સારવારથી અમે સંપૂર્ણ સંતુષ્ટ છીએ, ગયા બુધવારથી દાખલ થયેલા મારા બાપુજીને અહીંની સારવારથી ઘણું સારું છે…’ બાવન વર્ષના મહિલા ભારતીબેન દિલીપભાઈ રાણપરાના પતિ દિલીપભાઈએ કહે છે કે, ‘મારા પત્ની કોરોનાને લીધે સાવ હિંમત હારી ગયા હતા, પરંતુ અહીંના ડોક્ટરો તથા કર્મચારીઓએ તેમની ખૂબ હિંમત વધારી અને તેને માનસિક સહારો આપીને સંપૂર્ણ સાજી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે…’
ભારતીબેન ટીલાળા નામના મહિલા કહે છે કે, ‘ મારા મોટી ઉંમરના વડસાસુ અહીં દાખલ થયા છે, તેમને મોબાઈલ પણ વાપરતા નથી આવડતું, એ પરિસ્થિતિમાં અહીંના ડોક્ટરો અમને તેમની સાથે વાત કરાવે છે, જે અમને ખૂબ મદદરૂપ થાય છે અને અમારી ઘણી ખરી ચિંતા ઓછી થઇ જાય છે.’ ડેડીકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ ખરા અર્થમાં કોરોના દર્દીઓ માટે સહારારૂપ સાબિત થઇ રહ્યું છે.