૧૦૮મા સ્થળ પર જ ભરેલી બોટલ મળી રહે તે માટે બેકઅપ વાન ખડેપગે
રાજકોટમાં ૧૦૮ ની ૧૬ એમ્બ્યુલન્સ રાઉન્ડ ઘી ક્લોક કરી રહી છે કોરોનાના દર્દીઓનું વહન
કોઈ ગંભીર અકસ્માત સમયે ૧૦૮ નંબર પર ફોન કરી એમ્બ્યુલન્સની મદદ મંગાતી હોય છે., ક્યારેક ઇમર્જન્સીમાં કોલ કરી દવાખાને જવા ૧૦૮ને બોલાવવામાં આવે છે પણ છેલ્લા કેટલાક દિવસોમાં ૧૦૮ એમ્બ્યુલન્સની કામગીરીનું સ્વરૂપ બદલાઈ ગયું છે.
હાલની પરિસ્થિતિમાં ૧૦૮ ને કોરોનાના દર્દીઓ પણ કોલ કરી મદદ માટે બોલાવે છે. ખાસ કરીને જેની સ્થિતિ ગંભીર હોય તેમના માટે ઓક્સિજન સુવિધા સાથેની ૧૦૮ બને છે લાઈફ લાઈન. ૧૦૮ એમ્બ્યુલન્સમાં મેડિકલ ટીમ, દવા ઉપરાંત ઓક્સિજન માસ્ક સાથેની ઈમરજન્સી સુવિધા ઉપલબ્ધ હોય છે. જેનો મહત્તમ ઉપયોગ આજકાલ કોરોનાના દર્દીઓને ઘરેથી લઈ જઈ તેઓ જ્યાં સુધી દાખલ ન થાય ત્યાં સુધી ૧૦૮ માં જ ઓક્સિજનની સુવિધા સારવાર મળી રહે, તે માટે કરવામાં આવે છે.
રાજકોટની વાત કરીએ તો કુલ ૧૬ એમ્બ્યુલન્સ ૧૦૮ તરીકે કાર્યરત છે, જે પૈકીના ૧૦ વાહનો ૨૪ કલાક અને ૬ વાહનો ૧૨ કલાક ફરજ બજાવે છે. ૨૪ કલાક ફરજ બજાવતી એમ્બ્યુલન્સમાં ૨૫ લીટરની કુલ ત્રણ ઓક્સિજનની બોટલ હોય છે. જયારે ૧૨ કલાક ફરજ બજાવતી ગાડીઓમાં બે બોટલ હોવાનું 108 ના કો-ઓર્ડીનેટર શ્રી વિરલ ભટ્ટ જણાવે છે.
આ ગાડીઓમાં ઓક્સિજન ક્યારેય ખૂટે નહિ તે માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે ? તેમ પૂછતાં વિરલભાઈ જણાવે છે કે, અમે લોકો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ હંગામી ધોરણે ચૌધરી હાઈસ્કૂલ ખાતે એક બેકઅપ વાન ઉપલબ્ધ રાખીએ છીએ. જેમાં ઓક્સિજનની બોટલનો સ્ટોક હોય છે. જેવી ૧૦૮ આવે એટલે તેની ખાલી બોટલ લઈ તેમને ભરેલી બોટલ આપી દઈએ. બધી ખાલી બોટલો ભેગી કરી મેટોડા સ્થિત પ્લાન્ટ ખાતે જઈ તે તમામ બોટલ રીફીલ કરાવી લેવામાં આવે છે.
રોજે રોજ તમામ ૧૦૮ માં ઓક્સિજનની બોટલ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સ્થળ પર જ બદલી આપવામાં આવે છે. હાલના સમયે ૧૦૮ ખરા અર્થમાં દર્દીઓની લાઈફ લાઈન બની રહી છે તેમ ચોક્કસપણે કહી શકાય.