સિવિલ હોસ્પિટલ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી
ભક્તોની મેદની જામી સિવિલ હોસ્પિટલમાં
અમદાવાદ: 29’01’2023
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પોતાની સારવાર કરાવવા માટે આવતા હોય છે. અને કહેવાય છે કે, પૃથ્વી પરના ભગવાન તે ડોકટર છે. પણ જ્યારે ડોકટર પણ હાથ ઊંચા કરે ત્યારે દર્દીઓના સગાઓ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ શ્રી ખોડિયાર માઁ ના મંદિરે પહોંચે. શ્રદ્ધા કહો કે બીજું કંઈ, પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ માઁ શ્રી ખોડિયાર મોટાભાગના લોકોની અરજ સ્વીકારે છે. અને સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો દર્દી પણ તંદુરસ્ત થઈ પરત ફરે તેવી શ્રદ્ધા અને માન્યતા છે.
આજે મહા સુદ આઠમ છે આજના પવિત્ર દિવસે માઁ ખોડીયારના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાતમી સદીમાં મહા સુદ આઠમના દિવસે તેમનો જન્મ થયાની માન્યતા છે. ત્યારે ઠેકઠેકાણે મંદિરોમાં માઁ ખોડીયારનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે થાય છે ઉજવણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ માઁ શ્રી ખોડિયાર મંદિરમાં પણ માતાજીના જન્મ દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર આવ્યું. વહેલી સવારથી માઁ ખોડીયારના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી જ્યારે દર્શનાર્થીઓ માટે સિવિલ હોસ્પિટલ મિત્ર મંડળ દ્વારા વિશેષ પ્રસાદ વિતારણનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં લાપસી, બુંદી, ગાંઠિયા, હલવો, અને ચા સાથે સાથે બાળકો માટે સવિશેષ આઇસ્ક્રીમ, પફ અને ચોકલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી.
સિવિલ હોસ્પિટલમાં લોકો પોતાની બીમારીની સારવાર માટે આવતા હોય છે ત્યારે કોઈપણ બીમાર દર્દી કે તેમન સગાઓને કોઈ તકલીફના થાય તે રીતે માઁ શ્રી ખોડીયારના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.