તાપમાન માપવાના સાધન સાથે 50 લિટર દેશી દારૂ જપ્ત
દારૂ ગાળવાની સામગ્રી તેમ જ એક આરોપીની ધરપકડ
અમદાવાદ: 29’01’2023
વટવા ગામના એક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડ્યો ત્યારે પોલીસને ત્યાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ મળી આવી હતી. પોલીસે મકાનમાંથી દારૂ ગાળવાની સામગ્રી તેમજ 50 લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી હતી. જોકે આ ભઠ્ઠી મહિલા બુટલેગરની હોવાનું જાણવા મળતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
વટવા ગામમાં જોગણી માતાના મંદિરની પાસે મોટા ચુનારા વાસના એક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠીઓમાં મોટા પ્રમાણમાં દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમી પીસીબી પીઆઈ તરલ ભટ્ટને મળી હતી, જેના આધારે તેમણે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં એક મકાનમાંથી ગેસની 2 સગડી ઉપર મોટા પીપમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો.
આટલું જ નહીં દારૂ બનાવવા ડિગ્રી માપવાનું કાચનું મશીન, ગેસ સિલિન્ડર તેમ જ દારૂ બનાવવાનો તૈયાર વોશ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે શિવકુમાર માયારામ જયસ્વાલ (21)ને ઝડપી લીધો હતો. શિવકુમારની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, હંસાબહેન જેરામભાઈ ચુનારાનું આ મકાન છે, તેમ જ તે હંસાબહેનના મકાનમાં દેશી દારૂ બનાવવામાં કામ કરતો હતો. જોકે હંસાબહેન પોલીસના હાથમાં આવ્યા ન હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.