જુઓ પોલીસગીરી V/S નેતાગીરી
રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે ખુલ્લા મંચ ઉપર જાહેર જનતાની સામે પોતાને બાહુબલી ગણાવી ગુજરાત પોલીસને ચેલેન્જ કર્યુ હતું કે હુ જે કઈ કહુ છું, એ ખુલ્લેઆમ કહુ છું જે કોઈની તાકાત હોય મધુ શ્રીવાસ્તવ ઉપર કાર્યવાહી કરીને બતાવે.પછી એ કોઈ એસપી, હોય કે ડીએસપી હોય મારુ કોઈ કસુ બગાડી શકે નહી. એટલુંજ નહી પણ ગુજરાતની પ્રતિષ્ઠિત ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારને કોઈ સવાલ પૂછવા જેવી નજીવી બાબતે માર મારવાની ધમકી આપી હતી. તેમ છતાં આજદીન સુધી આ નેતાજી સામે કોઈપણ પ્રકારની સામાન્ય કાર્યવાહી પણ કરવામાં નથી આવી. જયારે આજે ફરી એક વખત ભાજપના નેતા અમદાવાદનાં શાહીબાગ પોલીસ સ્ટેશનનાં જમાદાર સાથે અભદ્ર વર્તન કરતાનો વિડીયો વાયરલ થતા નેતા પ્રદીપ પરમાર વિવાદમાં ફસાયા હતા. આજની ઘટનાના લીધે પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે. ભાજપના MLA પ્રદીપ પરમાર પોતે કાયદાનો ઉલ્લંઘન કરતા વિડીયોમાં નજરે પડતા ચર્ચાનો વિષય બન્યા છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં પોલીસ વાહન ચેકીંગ અને ખોટી રીતે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી રાખેલી ગાડીયોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરી રહી હતી.તે દરમ્યાન એક શખ્સ કે જે દવા લેવા માટે આવ્યો હતો. તેમણે પોતાનું વાહન રોડ ઉપર પાર્ક કર્યુ હતું,અને મેડિકલ ઉપર દવા લેવા ગયા હતા. દવા લઈને પાછા આવીને પોતાના વાહનને જુવે છે તો ત્યાં તેમનુ વાહન ટ્રાફિક પોલીસની ટોઇંગવાન ઉપાડી લઈ જાતા દેખાયા. ત્યાં વાહન ચાલકે રજુઆત કરી કે તેના હાથમા પાટા બાંધ્યા છે અને તે દવા લેવા માટે અહીં આવ્યો હતો. તેમ છતાં ટોઇંગવાન ના ટ્રાફિક જમાદારે પોતાની કાયદેસરની કાર્યવાહી કરીને વાહન ડિટેઇન કર્યુ હતું.
ત્યારબાદ મામલો બીચકાયો હતો અને જોત જોતામાં લોકોના ટોળા એકઠા થયા હતા. જ્યાં અમુક લોકોએ પોલીસની કાર્યવાહીમાં દખલ કરવાની કોશિશ કરી હતી. તેમ છતાં સમાધાન ના થતા એકાએક ભાજપના MLA પ્રદીપ પરમાર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરંતુ MLA પ્રદીપ પરમાર પોતે પણ પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરી આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર એએસઆઈ પોલીસકર્મીને જાહેર જનતાની સામે રીતસરના ધમકાવી નાખ્યા હતા. MLA પ્રદીપ પરમાર જાણે કોઈ કોર્પોરેશનના અધિકારીને ધમકાવતા હોય તેવી રીતે અમદાવાદનાં શાહીબાગ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીને ખુલ્લેઆમ ધધડાવી નાખી પોતાના પદનો ખોટો વગ વાપરી પોલીસને સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ જતા ભાજપના MLA પ્રદીપ પરમાર વિવાદમાં સપડાયા હતા.
નરોડાના MLA બલરામ થાવાણીનો પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં MLA પાસે રજુઆત કરવા આવેલી મહિલા સાથે મારપીટ કરવાનાં દ્રશ્યો સામે આવ્યા હતા. આટલુંજ નહી પણ ખુદ MLA બલરામ થાવાણી એક મહિલાને લાત મારતા હોવાનો વિડીયો વાયરલ થતા મોટો વિવાદ છેડાયો હતો. અને હાલમાંજ એરપોર્ટ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક વાહન ચાલક સાથે લાયસન્સ માંગવાની બાબતે પોલીસની માથાકૂટ થઈ હતી. અને એ ઘટનામાં પોલીસ અને વાહન ચાલક અને તેમના પિતાએ એક બીજા સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી. જે મામલો વધુ બીચકાઈ જતા નરોડાના ભાજપના MLA બલરામ થાવાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સિંધી સમાજના વેપારી પિતા પુત્રને ખોટી રીતે એરપોર્ટ પોલીસ દ્વારા માર મારવાનો આક્ષેપ કરાયો હતો.જેના લીધે સિંધી સમાજના લોકો રોષે ભરાયા હતા. ઘટના સ્થળે આવી MLA બલરામ થાવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ફરજ પર તૈનાત ચાર પોલીસકર્મીઓ દારૂ પીધેલા છે. અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભેગા થયેલા ટોળા સામે MLA બલરામ થાવાણીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને એરપોર્ટના ચાર પોલીસકર્મીઓ સામે કડક પગલા લેવા માંગ કરવાનું દબાણ કર્યુ હતું. જેથી ઝોન 4 ડીસીપી રાજેશ ઘઢીયાએ ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા હતા. નરોડાના ભાજપના MLA બલરામ થાવાણી દ્વારા મીડિયા સમક્ષ આપેલા પોતાના નિવેદનમાં પોલીસકર્મીઓ દારૂ પીધેલા હોવાનું જણાવ્યું હતું. જેની ગંભીર નોંધ લઈ ઝોન 4 ના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ચારેય પોલીસકર્મીઓની તપાસ કરતા એક પણ પોલીસકર્મી દારૂ પીધેલો જણાવી આવેલ ન હતો. આટલા જવાબદાર વ્યક્તિ કે જે પોતે નરોડા વિસ્તારનાં MLA છે, તે વ્યક્તિએ ફરજ ઉપર તૈનાત પોલીસકર્મિઓ ઉપર ખોટો આક્ષેપ જાહેર જનતા અને મીડિયા સમક્ષ કર્યો હતો, જે સત્ય થી જુદું હતું. આ ઘટનામાં પણ નેતાજીએ શાહીબાગ પોલીસ ઉપર દારૂ પીવાનો ખોટો આક્ષેપ કરી પોલીસને બદનામ કરી હતી.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જનતામાં સવાલ ઉત્પન્ન થયા છે, કે અમુક નેતાઓ પોતાની ખુરશીનો દુરુપયોગ કરી રહ્યા છે. ખુલ્લેઆમ જાહેરમંચ, ચૂંટણીઓની સભાઓમાં પોલીસને ચેલેન્જ કરી પોતાની ઉપર કોઈ કાર્યવાહી ના કરી શકે તેવા ફણગા ફૂંકતા નેતાઓ સામે પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહી છે. અમુક પત્રકારો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું તેમ છતાં નેતાજીના પાવરમાં કોઈ વટઘટ થતી નથી. પત્રકાર બાદ હવે અમુક નેતાઓ ગુજરાત પોલીસને પણ ધમકાવતા નથી ખચખચાઇ રહ્યા તેમ છતાં પોલીસ નેતાઓ સામે લાચાર બનતી દેખાઈ રહી છે, જેનો પુરાવો અમદાવાદની ઘટના આપી રહી છે, કે જેમાં ભાજપના MLA પ્રદીપ પરમાર પોલીસકર્મીનો બક્કલ નંબર લઈને તેને સસ્પેન્ડ કરાવવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે.
Views 🔥