અમદાવાદના ટાગોર હોલ ખાતે દરરોજ ૧૫૦૦ થી વધુ લોકોનું થઈ રહ્યું છે રસીકરણ

અમદાવાદના ટાગોર હોલ ખાતે દરરોજ ૧૫૦૦ થી વધુ લોકોનું થઈ રહ્યું છે રસીકરણ
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના આગમનને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ વૈશ્વિક મહામારી સામે રક્ષણ આપતી રસીની શોધ અને સંશોધન માટે ભારત સહિત બધા દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ બન્યા હતા અને એક વર્ષ પૂર્ણ થાય એ પહેલાં જ કોરોના વાયરસની રસી આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું જેમાં હેલ્થ વર્કર્સ, પોલીસકર્મીઓ અને અન્ય ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની ઝુંબેશ સમગ્ર દેશમાં શરૂ થઈ.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સહિતની અનેક જગ્યાએ રસીકરણ કેન્દ્રની શરૂઆત થઇ જેમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ ટાગોર હોલ ખાતે ૩૧મી જાન્યુઆરીથી રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં પ્રથમ દિવસે જ ૮૦૦થી વધુ શિક્ષકોની રસી અપાઇ, ૧-ફેબ્રુઆરીથી સળંગ દસ દિવસ સુધી ૯ હજારથી વધુ પોલીસકર્મીઓને રસી અપાઇ ત્યારબાદ દરરોજ ૧૫૦૦ જેટલા લાભાર્થીઓ ટાગોર હોલમાં રસીનો ડોઝ મુકાવવા આવી રહ્યા છે. જેને કોરોના ગાઇડલાઇન મુજબ રસી આપવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યૂનિ.કોર્પો.ના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર સંકેતભાઈ પટેલ જણાવે છે કે ટાગોર હોલની ક્ષમતા ૬૭૫ જેટલી હોવાથી રસી આપ્યા બાદ ૩૦ મિનિટ સુધી દેખરેખ માટે ૩૦૦ જેટલા લોકોને બેસાડવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તથા ઝડપથી વેક્સિનેશન થઈ શકે તે માટે આરોગ્યકર્મીઓ, ડોક્ટરની ટીમ પણ સતત હાજર રહે છે. ૬૦ થી વધુ વય અને ગંભીર બીમારી ધરાવતા લોકો મેડિકલ સર્ટિફિકેટ સાથે કોઈપણ એક માન્ય આઈ ડી પ્રૂફ સાથે ટાગોર હોલ ખાતે આવીને સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને તુરંત જ રસી લઇ શકે તેવી ઉમદા વ્યવસ્થા પ્રશાસન તરફથી ગોઠવવામાં આવી છે.
ટાગોર હોલ ખાતે રસીકરણ કેન્દ્રનો સમય હવે સોમથી શનિ સુધી સવારના ૯ થી રાત્રિના ૮ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે, તથા રવિવાર અને જાહેર રજાના દિવસે રસીકરણ કેન્દ્ર બંધ રહેશે એમ તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર સિલેક્ટર સ્કૂલો અને કોમ્યુનિટી સેન્ટરમાં પણ સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી રસી લેવા જઈ શકાય છે.
ટાગોર હોલ ખાતે રસી લઈ રહેલા રસિકલાલ ખુશાલદાસ સોની જણાવે છે કે મારી ઉંમર ૮૮ વર્ષ છે મને દિવાળી પહેલા કોરોના થયો હતો અને ત્યારે હું સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં સ્ટાફ અને ડોકટર તરફથી મને ઘણી સારી સારવાર મળી જેના કારણે કોરોનાને માત આપીને આજે હું મારા પરિવાર સાથે ખુશહાલ જીંદગી વિતાવી રહ્યો છું. અને આજે મે વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે જેની મને કોઈ જ આડઅસર થઈ નથી. ગુજરાત રાજ્ય સરકાર જે કામ કરી રહી છે તે ખૂબ જ સારું છે અને લોકોને અપીલ કરું છું કે દરેક લોકો જરૂર આ રસી લે.
વનિતાબેન વૈષ્ણવ જણાવે છે કે આજે મારી ઉંમર ૮૭ વર્ષની છે અને મને જ્યારે કોરોના થયો ત્યારે હું તે દિવસ સુધી એસવીપી હોસ્પીટલમાં ૧૩ દિવસ સુધી દાખલ હતી. અત્યારે કોરોના ને હરાવીને આજે હું વેક્સિનનો પહેલો પહેલો ડોઝ લઉં છું . રસીકરણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સારું કામ થઇ રહ્યું છે અને તેથી હું લોકોને કહેવા માંગું છું કે આ રસીની કોઈ આડઅસર નથી તેથી ડર રાખ્યા વિના લોકો વધુમાં વધુ રસી લે એ જરૂરી છે.
GCS ખાતે MBBSના બીજા વર્ષમા અભ્યાસ કરતાં પ્રિન્સ વસોયા જણાવે છે કે હું એક મેડિકલ સ્ટુડન્ટ છું. મે આજે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે અને હું 30 મિનિટ અંડર ઓબ્ઝર્વેશનમાં પણ રહ્યો છું. હું લોકોને જણાવું છું કે આ રસીની કોઈપણ આડઅસર નથી અને રાજ્ય સરકાર દ્વારા જે આ રસીકરણનું કામ થઈ રહ્યુ છે તે ખુબ જ સરાહનીય છે. હું યુવા તરીકે અપીલ કરું છું કે લોકો કોઈપણ જાતના ડર કે અફવાઓથી દુર રહીને વેક્સિન લે. તેમજ હેલ્થ સેન્ટરમાં જઈને હવે એક માત્ર આઈડી પ્રુફ બતાવીને પણ વેક્સિનેશન થઈ જાય છે.તેનો મહત્તમ લાભ લે જેનાથી આપણે કોરોનાને ઝડપથી માત આપી શકીશુ.
Views 🔥