ભારત અને પાકિસ્તાનના સંબંધો શાંતિ તરફ
પાકિસ્તાનના નેશનલ ડે પર PM મોદીએ ઇમરાનને આપી શુભેચ્છા
પાકિસ્તાન સાથે ભારત મિત્રતાનો સંબંધ ઇચ્છે છેઃ પીએમ મોદી
રિતેશ પરમાર
દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કહ્યું કે, પાડોશી દેશોમાં વિશ્વાસનો સંબંધ હોવો જોઇએ. આતંકવાદને કોઇ જગ્યા નથી. પાકિસ્તાન સાથે ભારત મિત્રતાનો સંબંધ ઇચ્છે છે અને મિત્રતા માટે આતંકવાદ મુક્ત માહોલ જરૂરી છે.
પ્રધાનમંત્રી મોદીએ ઇમરાન ખાનને લખેલા પત્રમાં કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે સદભાવપૂર્ણ સંબંધ ઇચ્છે છે. એટલા માટે પરસ્પર વિશ્વાસ અને આતંકવાદનો અંત જરૂરી છે. પીએમ મોદીએ આ પહેલા 20 માર્ચે ઇમરાન ખાનના કોરોનાથી જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
પાકિસ્તાનના એક વરિષ્ઠ એડ્વોકેટે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા જોઇએ.
જણાવી દઇએ કે ઇમરાન ખાન અને તેમના પત્ની શનિવાર(20 માર્ચ)એ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઇમરાન ખાન વેક્સિનનો એક ડોઝ લઇ ચૂક્યા છે. તેની માહિતી મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
વાતચીત શરૂ કરવા માટે તૈયાર
એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધો પર શાંતિપૂર્ણ બની રહ્યા છે. પાકિસ્તાન તરફથી પણ એવો પ્રયત્ન થતો દેખાઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટ 2019ની કલમ 370ને હટાવ્યા બાદથી બન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધ હતા. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન પહેલા શરત રાખતા હતા કે જ્યાં સુધી ભારત કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ન કરે ત્યાં સુધી કોઇ વાતચીત નહીં થાય. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન આ શરતને છોડીને વાતચીત શરૂ કરવા માટે તૈયાર છે.