ઘરડે ગાડું વાળ્યું! ૮૬ વર્ષેના ચંપાબેને કોરોનાને માત આપી
હસતા મોઢે અને મક્કમ મનોબળના સહારે કોરોના વિજેતા બનતા ૮૬ વર્ષના ચંપાબેન રાણપરા
૬૦ ટકા ફેફસાં બ્લોકેજ અને ૮૪ ઓક્સિજન લેવલને પણ પછડાટ આપીઃકોરોના સિવિલ અને સમરસની સારવારમાં સંપૂર્ણ શ્રધ્ધા રાખવા અન્યોને અનુરોધ
‘‘ઘરડાં ગાડાં વાળે – એમ નહીં, પરંતુ ‘‘ઘરડાં દાખલો બેસાડે’એ બાબતને રાજકોટના ૮૬ વર્ષના ચંપાબેન ભગવાનજીભાઇ રાણપરાએ કોરોનાને હરાવીને ચરિતાર્થ કરી બતાવી છે અને રાજકોટ સિવિલ અને સમરસની સંયુકત સારવારથી સંપુર્ણ સાજા થયેલા ચંપાબેન રાણપરાએ સરકારી સારવાર લેવા અન્યોને અનુરોધ કર્યો છે.
ચંપાબેનને છેલ્લા ૨૫ વર્ષથી હ્રદયના ધબકારા વધી જવાની તકલીફ છે. અને ગયા વર્ષે તેમને પેરેલિસીસનો હળવો હુમલો પણ આવી ગયો છે. આટલું બાકી હોય તેમ, ચંપાબેન કોરોનાની બીજી લહેરનો ભોગ બન્યા. ઓકસિજનના ૮૪ લેવલ અને ૬૦ ટકા ફેફસાં બ્લોકેજ સાથે તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગઇ ૯ એપ્રિલે દાખલ થયા. ૬ દિવસની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અંશતઃ ભયમુકત થયેલા ચંપાબેનને હાલ સમરસ હોસ્ટેલમાં દાખલ કરાયા છે, જયાં તેમનું ઓક્સિજન લેવલ ૯૭ થયું છે, અને ફેકસાં સંપૂર્ણ કાર્યશીલ થાય એટલે આવતી કાલે તેમને રજા આપવામાં આવનાર છે.
ચંપાબેનના પૌત્ર રીતેશભાઇએ જણાવ્યું હતું કે, દાદી મક્કમ મનોબળ ધરાવે છે, એટલે જ તેઓ આટલી અઘરી લડાઇ હસતા મોઢે જીતી શકયા છે. મારાં દાદી સાથે અમને સમરસનો સ્ટાફ રોજ વીડિયો કોલિંગથી વાત કરાવે છે એટલે દાદીનું હસતું મોઢું જોઇને અમને શેર લોહી ચઢે છે. અહીંના ડોકટર્સ તો અમને સાંત્વના આપે જ છે, ઉપરાંત, અહીંનો અન્ય સ્ટાફ પણ ખૂબ સહકારની ભાવનાથી અને માનવીય અભિગમથી કામ કરે છે, એ જ અમારા જેવા મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ સધિયારો આપનારૂં છે.