ખરેખર અમદાવાદની પરિસ્થિતિ ખુબજ ખરાબ છે, નથી એમ્બ્યુલન્સ કે નથી મળતો ઓક્સિજન, દર્દીઓને દાખલ કરવા પોલીસ સાથે માથાકૂટ જુઓ વિડીયો!
રીતેશ પરમાર (ક્રાઇમ રીપોર્ટર)
અમદાવાદમા રોજના 6 હજારની આસપાસ કોરોનાના કેસ સામે આવતા આરોગ્યતંત્ર એ ધમપછાડા શરુ કર્યા છે,તેમ છતાં સ્થિતિ નિયંત્રણમા નથી.એકલા અમદાવાદમાં રોજના 20 થી 25 લોકોના મોત કોરોનાના લીધે થઈ રહ્યા છે.હાલમાંજ ગુજરાત હાઇકોર્ટે રાજ્યસરકારની કોરોના મહામારીની કામગીરી ઉપર આકરી ઝાટકણી કાઢી હતી. જેમાં સરકાર દ્વારા લેવાયેલા નિયમો કે જેમાં 108 મા દર્દી આવે તો દાખલ કરવા, અમદાવાદ નો આધારકાર્ડ હોય તો સિવિલ હોસ્પિટલમા દાખલ કરવા, તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડ માટેની બાબતો ઉપર તાત્કાલિક અસરે યોગ્ય કામગીરી કરવા આદેશ આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે સમગ્ર અમદાવાદમાં હાલ કોરોના દર્દીઓની હાલત ખુબજ દયનિય છે.108 માટે કલાકો નહી પણ બે બે દિવસ ની રાહ જોવી પડી રહી છે. અને જો દર્દીને 108 ની સુવિધા મળી પણ જાય તો સિવિલ હોસ્પિટલની બહાર કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડી રહ્યું છે. જ્યાં કેટલાક લોકોના તો ઓક્સિજન લેવલ ઘટી જવાના કારણે મોત નીપજ્યા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે.અમદાવાદના GMDC ખાતે બનાવેલી નવી કોવીડ હોસ્પિટલમા પણ દર્દીઓને દાખલ કરવા ખુબજ મથામણ કરવી પડી રહી છે. જયારે એક કોરોના દર્દીની તબિયત ખુબજ ગંભીર થઈ જતા GMDC ખાતેની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. જ્યાં દર્દી અને તેમના પરિવારજનો વચ્ચે માથાકૂટ થતા ફરજ પર હાજર પોલીસે દર્દીને લઈ આવેલી રીક્ષાને ધક્કે ચઢાવી હતી.
આ સમગ્ર બાબતનો વિડીયો વાયરલ થયો છે.ખરેખર આ વિડીયો જોતા તમને અનુભવ થઈ જશે કે અમદાવાદમા કોરોનાની પરિસ્થિતિ કેટલી ગંભીર બની છે. દર્દીને દાખલ કરવા આવેલા સગાઓ જાણે કોઈ કંપની સામે પોતાની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તે જોતા ચોક્કસ થી કહી શકાય કે ખરેખર કોરોનાના દર્દીઓની હાલત ખુબજ કફોડી બની છે. જો આ બાબતો ઉપર રાજ્યસરકાર કે આરોગ્યતંત્ર ધ્યાન નહી આપે તો આવનાર પરિસ્થિતિ અમદાવાદના નાગરિકો માટે ખુબજ વિકટ બનશે.