અગાઉ આ જ કુખ્યાત બૂટલેગરનો માલ સેક્ટર ૨ સ્કવોડે પકડ્યો હતો
કોરોનામાં વેપારીઓ બંધ પણ દારૂ જુગાર અડ્ડા યથાવત
રીતેશ પરમાર (ક્રાઇમ રિપોર્ટર)
અમદાવાદ, તા.૧૪
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હાથે એવોર્ડ લઈ વાહવાહી મેળવનાર પીઆઇ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સભાળ્યા બાદ સતત વિવાદમાં રહ્યા છે. તાજેતરમાં શાહીબાગ પીઆઈને ગૃહ રાજ્યમંત્રીએ એવોર્ડ આપ્યો અને તે જ વિસ્તારમાં શુક્રવારે સવારે રીઢા નામચીન બૂટલેગર ૧૦૯૦ વિદેશી દારૂની બોટલ સાથે પકડાયો હતો. જોકે બુટલેગર અનુપસિંહ, જીતુ સીસોદીયા અને કરણ મારવાડી સહિત ૬ શખસોને સ્ટેટ મોનિટરિંગ સેલે વોન્ટેડ બતાવ્યા હતા. અગાઉ પણ નીલકંઠ મહાદેવમાં સેક્ટર ૨ ના સ્ક્વોડએ રેડ કરી હતી, જેમાં પણ તપાસ કરનાર ડી સ્ટાફ આરોપીને પકડી શકી ન હતી અને ગોઠવણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીની નજીકના અનેક લોકો આ વિસ્તારમાં રહે છે, તેમ છતાં અહીંયા ગુનેગારો બેફામ બન્યા છે. આ અંગે આ ઝોનના ડીસીપી પ્રયાસ કરવા છતાં કાયદો વ્યવસ્થા કંટ્રોલ થઈ શકી નથી.
સતત વિવાદમાં આવેલા ઝોન ૪ ડીસીપીના ખાસ બની બેઠેલા પ્રકાશસિંહ નામના કોન્સ્ટેબલ શાહીબાગ ડી સ્ટાફમાં પોતાનો માણસ રાખી મોટા પાયે ગુનેગારોને મદદ કરતો હોવાનું ચર્ચામાં છે. પણ કોઈ કારણસર તેને બચાવી લેવામાં આવે છે. આ સમયે સેક્ટર ૨ પણ ગુનેગારોને ડામવા માટે પ્રયાસ કરે છે. તેમ છતાં કેટલાક પોલીસ વિભાગના સડાના કારણે સારા લોકો ભોગવવું પડે છે.કોરોનાના કપરા સમયમાં લોકોનો જમાવડો ન થાય તે માટે મંદિર અને તમામ જાહેર સ્થળો બંધ છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં કોરોનામાં દવા નથી મળતી. પરંતુ ભરપૂર ખુલ્લેઆમ દારૂ વેચાણ થાય તેને નકારી શકાય તેમ નથી. કોરોનામાં લોકોને મદદ કરનાર અને સારી સેવા કરનાર શાહીબાગ પીઆઇ કે ડી જાડેજા અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ દેસાઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. આવા કોરોનાના કપરા સમયમાં શાહીબાગ પીઆઇ કે ડી જાડેજાના વિસ્તારમાં દારૂનો લાખોનો જથ્થો પકડાઈ ગયો છે. હવે જેના કારણે ઉચ્ચ અધિકાર ફરી મુશ્કેલીમાં મુકાયા છે.
શાહીબાગ અસારવા ખાતે આવેલા બાબુપુરા શ્રી સહજાનંદ ગુરુકુલ રોડ ઉપર જાહેરમાં શુક્રવારે વહેલી સવારે દારૂનું કટિંગ મોટી માત્રામાં થતું હતું. આ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી અને 1090 દારૂની બોટલ સાથે વિજય ગોવિંદ ઠાકોર (રહે 11 ઓરડી, પ્રભુનગર સર્કલની સામે અસારવા)ને પકડી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર અનુપસિંહ ઉર્ફે મેકો રતનસિંહ ચૌહાણ(રહે. પગીવાસ, અસારવા), જીતુ ઉર્ફે જીતેન્દ્રસિંહ પરબતસિંહ સીસોદીયા( રહે. નીલકંઠ મહાદેવની ચાલી, અસારવા), કરણ મારવાડી( રહે. જુલિકા પાન પાર્લરની સામે, પ્રભુનગર), ક્રેટા કારમાં લાવનાર ઉતારનાર કારીગરો અને મોકલનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે તેમાં અમુક લોકોને બચાવવા પછાડા કર્યા હોવાની ચર્ચા છે. જોકે અગાઉ સેક્ટર 2એ રેડ કરી શાહીબાગ ડી સ્ટાફને તપાસ સોંપતા આરોપીઓને મદદ કરી હોવાના પણ આક્ષેપો થયા હતા.
શહેર પોલીસ કમિશનર ઓફિસમાં એક જામેલા “દહીં” તરીકે ઓળખીતા પીઆઇનો દબદબો ગાંધીનગર પોલીસ ભવન સુધી છે. પીસીબી, સ્ટેટ મોનિટરિંગ કે અન્ય એજન્સી રેડ કરે તેમ છતાં સ્થાનિક અધિકારીએ બચવું હોય તો “દહીં”ને જમવું પડે તેવી ચર્ચા પોલીસ વિભાગમાં જોર સોરથી થઈ રહી છે. જોકે આ અધિકારી પાસે તમામ સમસ્યાનું સમાધાન છે. શાહીબાગ વિસ્તારમાં અગાઉ જ્યારે સેક્ટર ૨સ્ક્વોડે રેડ કરી હતી, ત્યારે પણ અમુક ચોક્કસ પોલીસ કર્મીઓ દ્વારા બુટલેગરોના દારૂ માટે પાઈલોટિંગ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી જેસીપીએ તેમને બદલી કરવા આદેશ કર્યા હતા છતાં તેવા પોલીસ કર્મીઓ હજુ પણ ડી સ્ટાફમાં ફરજ બજાવી પાઈલોટિંગ કરતા હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.
નિકોલના ભૂવાલડી ગામના જોરના ટેકરા પાસેથી કારમાંથી ૧૬પેટી દારૂનો જથ્થો નિકોલ પોલીસે પકડી પડ્યો હતો. પરંતુ તેમાં ૧૦ લાખનો ભ્રષ્ટચાર કરી ફક્ત ૧ પેટી દારુનો કેસ કરવામાં આવ્યો હતો જે વીડિયો વાઇરલ થતા બહાર આવ્યું હતું. જોકે આ કેસમાં ડીસીપી સ્ક્વોડએ તપાસ કરતા બહાર આવ્યું હતું કે, જેના પર કેસ થયો તે કાના નામના બુટલેગર પાસે ૧૬ પેટી દારુ હતો તેને ૧ પેટી કેસ કરવા માટે ૧૦લાખ એક સોની પાસેથી લીધા છે અને તેનો પણ જવાબ લેવાઈ ગયો છે ત્યારે ૧૫ પેટી દારૂ નિકોલ પોલીસના પ્રકાશસિંહ, રઘુવીરસિંહ અને અન્ય કોન્ટેબલે ક્યાં વેચાણ કરી તેની તપાસ ચાલી રહી છે. જોકે આ અંગે ડીસીપી અચલ ત્યાગીએ તપાસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.