બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના એક કોલ ઉપર અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી
થરાદ: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેરાશ છે. આ વાયસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ આપણા જિલ્લામાં પણ વધ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ અટકાવવા તથા આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા રાજય સરકાર અને વહીવટી તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો તથા ગ્રામજનો અથાક પરિશ્રમ કરી રહ્યાં છે. કોરોનાના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સૌથી મોટી જરૂરીયાત ઓક્સિજનની પડે છે. આ જરૂરીયાતને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અનેક પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે બનાસકાંઠા જિલ્લાના મૂળ વતની રક્ષિતભાઇ અદાણીને માત્ર કોલ કરી થરાદ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની વાત કરી અને ફ્કત બે મિનીટની ટેલીફોનીક વાતથી અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી હતી.
રક્ષિતભાઇ અદાણીને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે ઓક્સિજન પ્લાન્ટની વાત કરતાં જ તેમણે હકારાત્મક અભિગમ સાથે થરાદ રેફરલ હોસ્પીટલ ખાતે રૂ. ૧ કરોડની માતબર રકમના ખર્ચે PAC ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની હકારાત્મતા દાખવી હતી. કલેકટરની રક્ષિતભાઇ અદાણી સાથેની ટેલીફોનીક વાતચીત બાદ અદાણી પરિવારે આ પ્લાન્ટ માટે તાત્કાલીક વર્ક ઓર્ડર આપી પ્લાન્ટ માટેના જરૂરી સાધનોની વ્યવસ્થા કરી અને થરાદ ખાતે મોકલી આપ્યા છે. રૂપિયા એક કરોડનાં ખર્ચથી ઊભો થતો પ્લાન્ટ બે-ત્રણ દિવસમા કાર્યરત થઇ જશે.
અત્રે ઉલેખનીય છે કે, થરાદ રેફરલ હૉસ્પિટલ ખાતે નિર્માણ પામેલ PAC પ્લાન્ટ હવામાંથી ઓક્શિજન ઉત્પાદન કરશે અને કાયમી ધોરણે આ પ્લાન્ટ ચાલું રહેશે. જેથી આવનાર કોરોનાની ત્રીજી લહેરમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે તથા થરાદ, સૂઇગામ, વાવ જેવા અનેક અંતરીયાળ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. પોતાના માત્ર એક કોલથી બનાસકાંઠા જિલ્લાની આટલી મોટી સેવા બદલ કલેકટર આનંદ પટેલે અદાણી પરિવારને અભિનંદન પાઠવી જિલ્લાની જનતા વતી આભાર વ્યક્ત કર્યો છે.