૫૦૦થી વધુ આયુર્વેદિક મેડિકલ ઓફિસર્સ સમાન પગાર ધોરણ અને સાતમા પગારપંચ પ્રમાણે NPAથી વંચિત કેમ?
અમદાવાદ: આયુર્વેદ મેડીકલ ઓફિસર દ્વારા છેલ્લાં બે વર્ષથી કરાતી કોરોનાની કામગીરી છતાં આયુર્વેદના મેડીકલ ઓફિસરને એલોપેથી મેડીકલ ઓફિસર સમાન ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવતું ન હોય તેમજ સાતમા પગાર પંચ મુજબ એમપીએ આપવાની માગણી સાથે મેડીકલ ઓફિસર (આયુર્વેદ) એસોસિએશન ગુજરાત દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
કોરોના મહામારીમાં છેલ્લાં બે વર્ષથી આયુર્વેદના ૫૦૦ થી વધારે મેડીકલ ઓફિસરો કોવિડ હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત મારુ ગામ કોરોના મુકત ગામ અંતર્ગત ગામડે ગામડે કોવિડ સેન્ટરોમાં દર્દીઓની સારવાર અને સ્વસ્થ ગ્રામજનોને રોગ પ્રતિરોધક આયુર્વેદ દવાઓ સહિતની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. ત્યારે મેડીકલ ઓફિસરો દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જીપીએસસી પાસ હોવા છતાં કોઇ પણ પ્રકારની ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત આયુર્વેદ મેડીકલ ઓફિસરને એલોપેથી મેડીકલ ઓફિસર સમાન ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા અનુસાર ૧૦૦ ટકા ઉચ્ચતર પગાર ધોરણ આપવા તેમજ સુપ્રિમ કોર્ટના ૫૦ ટકા લાભ બે મહિનામાં ચૂકવી દેવાના આદેશનું પણ પાલન થયું નથી. ૨૫૦થી વધારે યોગ્યતા ધરાવતા મેડીકલ ઓફિસરને નોકરીમાં લાગ્યાને ૧૦ વર્ષથી ૧૭ વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી મળવાપાત્ર ઉચ્ચતર પગારધોરણ આપ્યું નથી. આથી આ અંગે કાર્યવાહી કરવા તેમજ ત્રણ વર્ષ પહેલાં જીપીએસસી દ્વારા ૩૩૧ નવા મેડીકલ ઓફિસરોની સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી. આ નવી નિમણૂંક પામેલ મેડીકલ ઓફિસર આયુર્વેદ વર્ગ-૨ મા બે વર્ષમાં પ્રોબેઝન પીરિયડ વેવ કરી આપવા તેમજ સરકારી આયુર્વેદ મેડીકલ ઓફિસરની નોન પ્રેકટીસીંગ એલાઉન્સ, એલોપેથી મેડીકલ ઓફિસરોની સમાન જ મળે છે. આથી જ્યારે પણ એલોપેથીના મેડીકલ ઓફિસરોને સાતમા પગાર પંચ મુજબ એમપીએ આપવા માટેનો ઠરાવ કરવામાં આવે ત્યારે આયુર્વેદના મેડીકલ ઓફિસરનો પણ સમાવેશ કરવા માગણી કરવામાં આવી છે.