લોકોને ઇંજેક્શન મળી રહયા નથી, અને કાળાબજારીયાઓ મોંઘા ભાવમાં વેચી રહયા છે.
અમદાવાદ: રાજ્યભરમાં કોરોનાના હાહાકાર બાદ હવે મ્યુકરમાઇક્રોસીસ બીમારીના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજય સરકાર દ્વારા પણ મ્યુકરમાઇક્રોસીસ બીમારીને મહામારી જાહેર કરી છે. પરંતુ રાજ્ય સરકાર ચોક્કસ સારવારની વ્યવસ્થામાં નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે સૌથી પહેલા ધારાસભ્ય તરીકે કોર્ટમાં આ મુદ્દે અરજી દાખલ કરી છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં મ્યુકરમાઇક્રોસીસ બીમારીને મહામારી જાહેર કરી છે. પરંતુ અમદાવાદ જેવા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇક્રોસીસ મહામારી માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ જે પ્રકારે દર્દીઓની ફરિયાદ આવે છે તે મુજબ ડોકટર્સ દર્દીઓની દેખરેખ રાખતા નથી. સાથે સાથે ચોક્કસ પ્રમાણમાં મ્યુકરમાઇક્રોસીસની સારવાર માટે ઇન્જેક્શનની ફાળવણી પણ નથી કરી શકતા.
બીજી તરફ ખાનગીમાં મ્યુકરમાઇક્રોસીસની સારવાર માટેના ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે. જો શહેરોમાં આવા પ્રકારની હાલત છે તો ગ્રામીણ વિસ્તારોમાં દયનીય સ્થિતિ હશે. સરકાર દ્વારા સમગ્ર મામલે મોનીટરીંગ થવું જોઈએ અને સમગ્ર રાજયમાં મ્યુકરમાઇક્રોસીસની સારવારની ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ. સરકાર માત્ર જાહેરાત કરી છુટી જાય છે તેવો આક્ષેપ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવ્યો.