હસો ખિલખિલાટ… જીવી જવાની જીદ સામે ભગવાને પણ હથિયાર હેઠા મુકવા પડ્યા
‘કોરોના’, ‘મ્યુકરમાઈકોસીસ’, આવા તાજા જન્મેલા રોગોએ કંઈક લોકોના હજા ગગડાવી નાંખ્યા… કોરોનાનો ટેસ્ટ કરાવવા જઈએ અને જ્યાં સુધી ટેસ્ટ કરનાર ‘તમારો ટેસ્ટ નેગેટીવ છે…’ એમ ના કહે ત્યાં સુધી ચહેરા પર અંકાતી રેખાઓ તમને ૫-૧૦ વર્ષ મોટા બનાવી નાંખે તેવી દેખાતી હોય છે… આ એક સર્વ સામાન્ય અનુભવ છે… અને જો ટેસ્ટ પોઝીટીવ આવે તો તો પછી વાત જ ન પૂછાય… હટ્ટાકટ્ટા દેખાતા, બાહુબલી જણાતા અને ફીટનેશની ડીક્શનેરી લઈને ફરતા લોકો માટે હાલ સિવીલ હોસ્પિટલમાં ‘MISC” ( Multisystem inflammatory syndrome in children) ની સારવાર લઈ સાજી થયેલી કિર્તી કોઠારી એક મિશાલ છે.
માત્ર ૧૦ વર્ષની કુમળી આયુ ધરાવતી કિર્તી ‘MISC”થી પીડાઇ રહી હતી…પણ આ નાની ભૂલકી જેણે જીવનના ૧૦ ડગ હજુ માંડ્યા છે તેના ચહેરા ઉપર સમગ્ર સારવાર દરમિયાન સ્મિત રેડાતુ હતુ. સારવાર દરમ્યાન એક ક્ષણ માટે પણ ક્યારેય તે ચિંતિત કે ગભરાઈ ગઈ હોય તેઓ અનુભવ આખાય વોર્ડમાં કે પરિવારમાં કોઈનેય થયો નથી…
કિર્તીની જીવી જવાની જીદ સામે ભગવાને પણ હથિયાર હેઠા મુકવા જ પડ્યા જે તેના નિર્દોષ હાસ્ય પરથી લાગે છે… ભગવાન તેને હંમેશા સલામત રાખે…