આ ઉમદા કાર્ય થકી સંતાનોએ પિતાની સ્મૃતિને શાશ્વત કરી
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં 22 વર્ષથી ફરજરત નર્સ જીગીશાબેને પિતાની સ્મૃતિમાં સમાજઉપયોગી કાર્ય કર્યું.
અમદાવાદ સિવિલ મેડિસીટીની ઇન્સસ્ટિટ્યુટ્સ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇ.કે.ડી.આર.સી.)માં એક પરિવારે એમ્બ્યુલન્સનું દાન કર્યું. કિડની હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સ્વજન સારવાર હેઠળ હતા. કોરોનાના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા.પરિવારજનોએ કિડની હોસ્પિટલની સારવાર પધ્ધતિ અને સેવા-શુશ્રુષા થી પ્રભાવિત થઇ જનઉપયોગી થવાના આશય સાથે આજે એક એમ્બ્યુલન્સ વાન દાન કરી હતી.
દિવંગત પિતા રણછોડભાઇ સોલંકીની સ્મૃતિમાં ત્રણ દીકરી અને એક દીકરાએ ભેગા થઇ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને મદદરૂપ બનવાના શુભ આશય થી આ ઉમદુ કાર્ય હાથ ધર્યુ હતુ. સ્વર્ગસ્થ રણછોડભાઈ સોલંકીની દીકરી જીગીશા અમીને પોતાના પિતાની સ્મૃતિઓને વાગોળતા જણાવ્યું કે, “મારા પિતા અનેક લોકો માટે પ્રેરણાદાયક હતા.તેઓએ જીવનપર્યત જનઉપયોગી લોકકલ્યાણના જ કાર્યો કર્યા હતા. પિતાને ગુમાવ્યા બાદ તેમના ઉમદા કાર્યોની સુવાસ પ્રસરતી રહે તે શુભ આશયથી આઈકેડીઆરસીમાં એમ્બ્યુલન્સ દાન કરવાનો નિર્ણય કર્યો છે.
રણછોડભાઇ અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલની કોરોનાની સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેઓ દેવલોક પામ્યા હતા. રણછોડભાઇના ચારેય સંતાનોએ અને ખાસ કરીને કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ છેલ્લા 22 વર્ષથી નર્સ તરીકે ફરજરત જીગીશાબેન અમીને તેમની જમાપૂંજી એકઠી કરીને એમ્બ્યુલન્સ ખરીદી હતી. આ એમ્બ્યુલન્સ આઇકેડીઆરસીમાં દાખલ થતા દર્દીઓને લાવવા લઇ જવા માટે મદદરૂપ થાય અને દર્દીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુંથી દાન કરવાનો નિર્ણય લીધો હતો.
સારી સ્થિતિમાં અન્યોની મદદ કરવાની પ્રવૃતિ રણછોડભાઈના બાળકોને પણ વારસામાં મળી છે. મૃતક રણછોડભાઈએ પોતાની સેવાનિવૃત્તિ પહેલા સંકુલની અંદર આવેલી યૂનિયન બેંક ઑફ ઈન્ડિયાની આઈકેડીઆરસી શાખામાં મેનેજર તરીકે પણ સેવા આપી હતી.
“મૃતકના પરિવરજનો તરફથી આ એક સુવિચારિત દાન છે. અમારા એમ્બ્યુલન્સની ક્ષમતામાં એક કોમ્પેક્ટ કદની એમ્બ્યુલંસને જોડવાથી દર્દીઓને હોસ્પિટલમાં લાવવા અને બીજી તરફ શહેરની સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો સુધી પહોંચવામાં મદદ મળશે.”તેમ આઈકેડીઆરસી-આઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું. એક વધારાની એમ્બ્યુલન્સ સંસ્થાને વ્યસ્તતા ધરાવતા દિવસોમાં ગરીબ દર્દીઓ માટે સેવાઓની કામગીરીમાં પ્રાથમિકતા આપવામાં પણ મદદ કરશે.