દૂર દેશાવર સુધી પ્રસરી છે મહીસાગર જિલ્લાના આંબોળિયાની ખ્યાતિ
પરંપરાગત આંબોળિયાના વ્યવસાય થકી ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન કરતા ગોધર(પ)ના ખેડૂત સાલમભાઇ બારીયા
લુણાવાડા: મનમોહક મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે. આ જિલ્લો તેની એક વધુ આગવી ઓળખથી જાણીતો થયો છે અને તે છે કાચી કેરી માંથી બનાવેલ રસમધુર આંબોળિયા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, વિરપુર, બાલાશિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુકવેલા અંબોળિયા ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ગામે ગામે બનાવવામાં આવે છે. દૂર દેશાવર સુધી આ વિસ્તારના આંબોળિયાની ખ્યાતિ પ્રસરેલી છે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયા માંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ દાળ-શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ તરીકે વાપરી વાનગીને રસ મધુર બનાવવા માટે થાય છે.
આ પંથકના અંબોળિયા વખણાવાનું મુખ્ય કારણ એ પણ છે કે આ પંથકમાં દેશી સુધાર્યા વગરની જાતોના આંબા વધુ પ્રમાણમાં છે, તેમાં ખટાશ વધુ હોય છે. આ કેરીને તેમાંથી સૂકવી તૈયાર કરાયેલા આંબોળિયાની દેશભરમાં માંગ રહે છે. લુણાવાડાના વર્ષો અગાઉના મુખ્ય બજાર ગણાતા માંડવી તેમજ મધવાસ દરવાજા વિસ્તારની વ્યાપારી પેઢીઓ દ્વારા આંબોળિયાનો વેપાર દેશભરમાં ફેલાયો હતો. અહીં ના સ્થાનિક વેપારીઓ સિઝનમાં મોટાપાયે અંબોળિયાની ખરીદી કરી દિલ્હી, કલકત્તા,અમૃતસર, અમદાવાદ, જયપુર, જોધપુર સહિતના દેશભરના વિવિધ બજારોમાં પહોંચાડે છે.
નવાઈની વાત એ છે કે દિલ્હીના કરિયાણાના બજાર ગડોરીયા અને ખારીબાવલી માર્કેટમાં લુણાવાડાના આંબોળિયા રાજધાની, ડબલ ગોલ્ડન, સિંગલ ગોલ્ડન બ્રાન્ડના બોર્ડ લાગે છે. આમ, મહીસાગર જિલ્લાના કેરીના આંબોળીયા દેશભરમાં વખણાય છે.તેમ ઇબ્રાહિમ સુરતીની પેઢીના શ્રી ઇકબાલ ભાઈ સુરતી,જણાવ્યું હતું.
આંબોળિયાના વ્યવસાય સાથે જોડાયેલા ગોધર(પ)ના ખેડૂતશ્રી સાલમભાઇ બારીયા જણાવે છે કે આ વ્યવસાય અમારાં બાપદાદા વખતથી અમે કરીએ છીએ. ગ્રામ્ય વિસ્તારો માંથી કાચી કેરીની ખરીદી કરી અમે આંબોળિયા બનાવીએ છીએ આ સિઝન એક માસ ચાલે છે. જેમા સફેદ અને લાલ રંગના આંબોળિયા બને છે. આ સાલ ભાવ પણ સારો મળ્યો છે. આમ આ આંબોળિયાના વ્યવસાય થકી ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન અમે કરીએ છીએ.
જિલ્લામાં કાચી કેરીમાંથી આંબોળિયા બનાવવામાં મુખ્યત્વે નાના ખેડૂતો દ્વારા ગામે ગામે આ વ્યવસાયને કરવામાં આવે છે. મુખ્યત્વે આંબોળિયાનો વહેપાર પહાડીયા, સરાડીયા, ગોધર, આંજણવા, ગંધારી સહિતના અનેક ગામોમાં કેરીને કાપીને તેની ચીરી કરી તેને સૂકવી બનાવાય છે. આંબોળિયા બનાવવા એક વિશેષ કળા છે. કેરીમાંથી સફેદ આંબોળિયા,અને લાલ આંબોળિયા બને છે. તે કેરી ઉપર આધાર રાખે છે. નાના ખેડૂતો અને ગ્રામજનોને તેમાંથી પુરક રોજી રોટી મળે છે.
જિલ્લો ખેતી આધારીત હોઇ લસણ,આદું, અને આંબોળિયા જેવા રોકડીયા પાકનો વહેપાર ગૃહ ઉદ્યોગ સમાન છે તેથી જ આ જિલ્લામાં ગૃહ ઉધોગ માટે ઉજળી તકો રહેલી છે આંબોળિયા નાના ખેડૂતો ઘરમાં બનાવે છે અને તેને જમીન ઉપર સુકવે છે. જેમ તેનો રંગ સફેદ હોય તેમ ભાવ વધારે આવે છે અંદાજીત એક કિલો આંબોળિયાનો ભાવ રૂપિયા ૧૦૦ થી ૧૭૦ જેટલો હોય છે.રસમધુર આંબોળિયા એ જિલ્લાનો પરંપરાગત જળવાયેલો મહેનતકશ ખેડૂતોને પૂરક આજીવિકા પૂરો પાડતો વ્યવસાય છે.