Read Time:1 Minute, 1 Second
“કવિની કલમે”માં વાંચો, કવિશ્રી અંકુર શ્રીમાળીની રચના
રાત આખી જાગી,
કરી તારી કલ્પના ઝાઝી.
ચિત્ર તારું દોરવા,
કાગળ, પેંસિલ અને રંગો
સહુ ભેગા કર્યા.
રખેને આંખ મિચાઇ તો!
કલ્પનાઓ તૂટી જાય તો!
સપનાઓ આવેજ નહિ તો!
પછી…
કાગળ આખો કોરો રાખી,
આંખોમાં ઉજાગરો આંજી,
વિધાતાની જોવા બાજી.
રાત આખી રાખી તાજી,
રુબરુ મળવા કરી તને રાજી.
મળશું ત્યારે શું કહિશ હું,
રૂપની રાણી કે શબ્દોની શહેજાદી,
પ્રિયા, સુપ્રિયા કે પ્રિયતમા,
એ મથામણમાં અટવાતો રહ્યો હું.
ચાલ અંકુર છોડ એ બધું
હોઠ નહિ ખુલે તો આંખો
વાત કરી લેશે.
ક્યાં સુધી જાગીશ તું
ચાંદ જશે ને સૂર્ય અજવાળું કરી દેશે.
અંકુર શ્રીમાળી- તા.૦૬/૦૪/૨૦૨૧