ગુજરાતમાં ‘પાટીદાર સી.એમ.’ની દર ચૂંટણીએ માંગણી કેમ ?

0
ગુજરાતમાં ‘પાટીદાર સી.એમ.’ની દર ચૂંટણીએ માંગણી કેમ ?
Views: 87
0 0
Spread the love

Read Time:11 Minute, 40 Second
Views 🔥 ગુજરાતમાં ‘પાટીદાર સી.એમ.’ની દર ચૂંટણીએ માંગણી કેમ ?

ગુજરાતમાં ‘પાટીદાર સી.એમ.’ની દર ચૂંટણીએ માંગણી કેમ ?

દિલીપસિંહ ક્ષત્રિય,

ગુજરાતના રાજકારણમાં એક વાતતો દિવા જેવી સ્પષ્ટ છે કે ગુજરાતમાં રાજકારણ કરવું હોય તો પાટીદાર સમાજને ધ્યાને લેવો જ પડે પછી એ કોંગ્રેસ હોય,ભાજપ હોય કે હાલમાં ગુજરાતમાં પોતાના ઈંડા માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી હોય, દરેક રાજકીય પક્ષે પોતાની પ્રગતિ માટે જે તે સમયે પાટીદારોનો સાથ લેવો જ પડ્યો છે, પહેલા કોંગ્રેસે લીધો અને સત્તા ભોગવી પછી ભાજપ તરફ પાટીદારો વળ્યાં તો ગુજરાતમાં ભાજપ સત્તા સ્થાને પહોંચ્યું, વળી પાછા પાટીદાર આંદોલન પછી પાટીદારો ભાજપથી વિમુખ થતા 2017માં કોંગ્રેસની બેઠકો વધી ને ભાજપના સરકાર બનાવતા બનાવતા હાંજા ગગડી ગયા, છેલ્લે 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદારો ને કોંગ્રેસ સાથે ફરી વાંધો પડ્યો ખાસ કરી ને સુરતમાં તો સુરતના પાટીદારોએ ઝાડુ પકડ્યું સરવાળે 2015માં કોંગ્રેસના 36 કોર્પોરેટરો 2021માં શૂન્ય થઇ ગયા, સાદી ભાષામાં કહું તો સુરત માં ‘કોંગ્રેસની છત્રી કાગડો થઇ ગઈ’. આ પાટીદારો,પાટીદાર મતોનો પ્રભાવ છે કે જે તરફે ઢળે ત્યાં સત્તા મળે.ખેર મૂળ મુદ્દા પર આવીએ તો 2001 પછી ખાસ કરી ને મોદીના શાસન સાથે પાટીદારોના સબંધો ઉતાર ચડાવ વાળા રહ્યા મોદીના મુખ્યમંત્રી બનતા જ પાટીદારો ને મુખ્યમંત્રી પદ મળવાની વાતનો એકડો નીકળી ગયો, હા એ વાત અલગ છે કે વચ્ચે વચ્ચે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પાટીદારો રહ્યા.

મોદીએ ગુજરાતને અલવિદા કહી પછી ગુજરાતને ફરી પાટીદાર સી.એમ આનંદી બેન પટેલ ના સ્વરૂપે મળ્યા જોકે એમની સામે પાટીદારો જ પડ્યા ને પાટીદાર આંદોલન થયું આનંદી બેનને જવું પડ્યું.વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા.બસ ત્યાર પછી થી ભાજપમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ ઓછું થવા લાગ્યું, હાલ ની સ્થિતિ એ જોઈએ તો જે પાટીદારોએ ભાજપને સત્તા સ્થાને પહોંચાડ્યો એ ભાજપનો ગુજરાતમાં ન મતો મુખ્યમંત્રી છે કે ન તો ગુજરાત ભાજપનો પ્રદેશ પ્રમુખ છે, સ્વભાવિક રીતે પાટીદાર સમાજની લાગણી દુભાય,ભાજપ માં રહેલા પાટીદારો મહત્વના પદની માંગણી કરે,જોકે ખેલ હવે આખો જુદો જ રચાઈ રહયો છે ભાજપમાં પાટીદાર મુખ્યમંત્રી કે મહત્વ નું પદ માંગવા કે મેળવવાની જગ્યા એ બીજા જ પક્ષમાં પાટીદારો માટે મહત્વ નું સ્થાન મંગાઈ રહયું છે, પ્રશ્ન થાય કે કેમ ? આ પ્રશ્ન નો જવાબ એવો મળે છે કે જો ભાજપમાં જ આ માંગ ઉઠે તો માંગ ન સંતોષાય તો ભાજપ સામે ફરી પાટીદારોનો રોષ ફાટી નીકળે બીજી બાજુ જો કોઈ નવી સવી પાર્ટી ને સમાજના પ્રમુખ કે પાટીદાર સમાજના નેતા સમર્થન કરે અને પાટીદાર મુખ્યમંત્રી બનાવવાની માંગ કરે તો પાટીદારો નો જે ભાજપ પ્રત્યે રોષ છે એ રોષ ના મતો કોંગ્રેસ ને ને મળે, રોષના મતોમાં વિભાજન થઇ જાય, સરવાળે ન કોંગ્રેસ જીતે કે ન નવી આવેલી પાર્ટી જીતે ગુજરાતી કહેવતની જેમ ‘બે બિલાડીની લડાઈ માં વાંદરો ફાવી જાય’ ભાજપ ને ફાયદો થાય સાથે સાથે ભાજપ પાર્ટી પાટીદારો ના સમર્થન વગર પણ જીતે છે એવું સાબિત થાય,અધૂરામાં પૂરું પાટીદારો નું ભાજપમાં પ્રભુત્વ પણ ઘટે.

પાટીદાર રાજકારણ સમજવા થોડોક પાટીદાર સમાજનો રાજકીય ઇતિહાસ પણ સમજીએ કે કઈ રીતે ભાજપ પાટીદારોના જોરે ગુજરાતમાં ઉભું થયુંને કેમ પાટીદારો કોંગ્રેસથી છુટા પડ્યા.

ગુજરાતના કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીએ ગુજરાત માં સત્તા મેળવવા માટે પાટીદારો વિના રાજ કરવા ‘ખામ’ થિયરી બનાવી જેમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમાજની વોટબેન્ક કોંગ્રેસ માટે ઊભી કરી, સરવાળે ગુજરાતમાં સૌથી વધારે સંખ્યાધરાવતી મતબેન્ક પાટીદાર સમાજ પોતાને ઉપેક્ષિત સમજવા લાગ્યો, એટલે ધીમે ધીમે કોંગ્રેસના વિકલ્પ રૂપ ઉભી થઇ રહેલી પાર્ટી ભાજપ તરફ ઢળી ગયો.

ભાજપે કોંગ્રેસની ખામ થિયરી નો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને પ્રચાર કર્યો કે માધવસિંહની સરકારમાં પાટીદારોએ ખુબ જ સહન કરવાનો વારો આવ્યો. આખી સ્થિતિ ને સમજવા માટે 1981નો કાળ સમજવો પડશે, 1981માં રાજ્યના મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. આ વર્ષે રાજ્યમાં બક્ષી કમિશન લાવવામાં આવ્યું અને ઈકોનોમિક અને સામાજીક પછાત જાતિઓને બક્ષિ કમિશનમાં સમાવવાનો માધવસિંહેનિર્ણય કર્યો. આ નિર્ણયનો રાજ્યની બિન અનામત જાતીઓએ વિરોધ કર્યો જેમાં પાટીદારો પણ હતા. ધીરે ધીરે શરૂ થયેલા વિરોધે આખરે પ્રચંડ આગ પકડી અને સમગ્ર રાજ્યમાં જોરદાર વિરોધ થવાનું શરૂ થયું.

બિન અનામત જ્ઞાતિઓનું માનવુ હતું કે માધવસિંહનો નિર્ણય અયોગ્ય છે. આ જ કારણે રાજ્યમાં આંદોલન થયું અને પાટીદારો-ઠાકોરો વચ્ચે ભીષણ સંઘર્ષો પણ થયા. કેટલાય ગામડાઓમાં જ્ઞાતિવાદને કારણે હુલ્લડો થયા. જેમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ. બીજી તરફ પાટીદારોનું અનામત વિરોધી આંદોલન ઉગ્ર થતું જતુ હતું જેના કારણે માધવસિંહ માટે માથાનો દુખાવો બન્યો હતો. જેને ડામવા સરકારે પોલીસને ઓર્ડર કર્યો. પોલીસ ગોળીબાર કર્યો જેમાં 100 જેટલા લોકોના મોત થયા હતા.

1981માં બનેલી પોલીસ ગોળીબારની ઘટના ક્યાંક 2015માં પાટીદારો પર થયેલા દમન જેવી જ ઘટનાની યાદ અપાવે છે,ચર્ચા છે કે 1981 વખતે રમખામણો ને ડામવા પોલીસ ગોળીબારમાં 100 જેટલા લોકોના મોત થયા તેમાં સૌથી વધારે પાટીદારો હતો. રાજ્યમાં ઠેર ઠેર જ્ઞાતિવાદ વકર્યો હતો. ગામડામાં તો વર્ગવિર્ગહ થયો હતો. એવુ પણ કહેવાય છે કે માધવસિંહની સરકાર પાટીદાર પર સખ્ત હતી અને અન્ય જ્ઞાતિઓ પર સોફ્ટ રહી હતી. ગામડાઓમાં તો પાટીદાર સમાજના લોકોના ખેતરોમાંથી ઊભો પાક લણી લેવાની ઘટનાઓ બનતી જોવા મળી હતી. અનેક પાટીદારોના ઘરોમાં લૂંટફાટ અને મારામારીના બનાવો જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં પાટીદારની સામે ક્ષત્રિયની થિયરી જોવા મળી હતી.

1981 અને 1985ની એ વર્ષોને યાદ કરીને પાટીદારો હજુ પણ કોંગ્રેસને સાથ આપતા સંકોચ અનુભવે છે. જોકે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરનાર હાર્દિક પટેલને કારણે પાટીદાર સમાજ થોડો ઘણો કોંગ્રેસ સાથે જોડાયો હતો. તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભોગવવી પડી હતી. હાર્દિકને કારણે ભાજપે ઘણુ બધુ ગુમાવવાનો વારો આવ્યો હતો. લાગી રહ્યું હતું કે પાટીદાર સમાજ 1981ને ભૂલી ગયો છે અને હવે એક નવી જ શરૂઆત કરવા જઈ રહ્યો છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને હાર્દિક અને તેના જૂથને જે પ્રકારે આશા હતી તેવા પરિણામો ન આવ્યા. સૌરાષ્ટ્રમાં થોડે અંશે ભાજપને નુકસાન થયું પરંતુ મોટા ભાગનો પાટીદાર સમાજ ભાજપની સાથે રહ્યો. રાજ્યના 4 મહત્વના શહેરોમાં તો કોંગ્રેસ જાણે સાવ સાફ થઈ ગઈ. ગામડામાં થોડે અંશે અસર રહી. પરંતુ વર્ષોથી ભાજપની સાથે રહેલા પાટીદાર સમાજ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે પણ સાથે જ રહ્યો હતો.વળી 2019ની લોકસભા અને 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ શું હાર્દિકની અસર પણ ક્યાંય ન દેખાઈ, ગુજરાતની 26 બેઠકો માંથી એક પણ બેઠક કોંગ્રેસ ને ન મળી અરે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પણ લોકસભામાં ન જીત્યા.

એવું નથી કે આ 26 બેઠકો પર પાટીદાર મતોનો પ્રભાવ નથી આ 26 બેઠકો પર પાટીદાર મતો પ્રભાવી છે પણ કોંગ્રેસના ઉમેદવાર તરફ પાટીદારો મતદારો એ 2019માં કોઈ  રસ ન દાખવ્યો , જો ગુજરાતની 26 લોકસભાબેઠકો નું મૂલ્યાંકન કરી ને જોઈએ તો સરેરાશ 12 બેઠક પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં છે,જેમાં અમદાવાદ પૂર્વ 14.5 ટકા, અમરેલી 16.41,ટકા,ગાંધીનગર 17.40 ટકા ,આણંદ 15.26 ટકા ,ખેડા 11.33 ટકા ,ભરૂચ 17.75, મહેસાણા 29.93 ટકા,નવસારી 23.3 ટકા,સુરેન્દ્રનગર 20.22 ટકા,સુરત 24.70 ટકા,વલસાડ 28.5 ટકા,વડોદરા11.1ટકા પાટીદાર મતદારો છે,

આ મતોની ટકાવારી જ દર્શાવે છે કે ગુજરાતમાં પાટીદાર મતોનો કેટલો પ્રભાવ છે,આ મતો કોઈ પણ એક પાર્ટી તરફ ઢળે એટલે એને સત્તા મળે, પાટીદાર સમાજના નેતાઓ ને પણ આ ખ્યાલ છે અને હાલની ભાજપ સરકાર ને પણ ખ્યાલ છે પણ ભાજપ સરકાર પાટીદારો સામે નરમ પડવા નથી માંગતી એટલે જે પાર્ટીદારો ભાજપથી નારાજ છે એમના મતોમાં ભાગલા પડે એ માટે સતત પ્રયત્નો કરે છે.એ પ્રયત્ન ના ભાગ રૂપે જ આવા નિવેદનો ચૂંટણી પહેલા શરૂ થાય છે કે પાટીદાર સી.એમ. હોવો જોઈએ.ખેર જોઈએ આ વખતે પાટીદાર સમાજ આવા કોઈ નિવેદન ને મહત્વ આપે છે કે પછી સ્વતંત્ર નિર્ણય લે છે..!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *