રાષ્ટ્ર સેવકોની સમાજ સેવા! ગુજરાત વાયુસેનાના નિવૃત સૈનિકો દ્વારા સમાજક્લાયણની વિવિધ પ્રવૃતિઓનું આયોજન
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં માસ્ક અને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કર્યુ
રાજ્ય વાયુસેનાના નિવૃત સેનિકો રાષ્ટ્ર સેવા બાદ હવે સમાજસેવા માટે ફરજરત થયા છે. ફરજ દરમિયાન રાષ્ટ્રની સેવા કરનારા નિવૃત્ત સૈનિકો નિયમિત ધોરણે સમાજની સેવાને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
કોરોના મહામારી દરમિયાન સોલાસિવિલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા બહારગામથી આવતા દર્દીઓના સ્વજનો માટે ભોજન અને પીણાં/પાણીનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતુ.
કોરોના મહામારીથી અસરગ્રસ્ત ગરીબ પરિવારોમાં રાશનની કિટ્સનું વિતરણ પણ કર્યું હતું. હવે ગરીબ વિસ્તારોમાં માસ્ક પહેરવા અંગે અને માસિક દરમિયાન સ્વચ્છતા સંબંધે મહિલાઓ અને છોકરીઓને સમજાવવા માટે એક જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
આ પહેલમાં તેમની સાથે નિવૃત્ત સૈનિકો દ્વારા રચવામાં આવેલા મિસામીલ ટ્રસ્ટ અને નિવૃત્ત સૈનિક એર કોમોડોર ધરમવીર દ્વારા સ્થાપવામાં આવેલી એસ.ટી.ઓ.ઇ. પ્રા. લિમિટેડ પણ જોડાયા છે. આ કંપની માસ્ક અને સેનેટરી પેડ્સનું ઉત્પાદન કરે છે.
જે અંતર્ગત 19 જૂનના રોજ સેટેલાઇટ વિસ્તારમાં રામદેવ ગામમાં, બોપલ અને ઘુમા વિસ્તારમાં માસ્ક અને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. અમદાવાદ શહેરની નં 2 ગુજરાત એર NCC સ્ક્વૉડ્રનના વરિષ્ઠ કેડેટ્સે માનવ પ્રતિકૃતિઓ દ્વારા મહિલાઓને માહિતગાર કરી હતી.
મિસામીલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી નીના પી. દેસાઇ અને અન્ય લોકોએ કેડેટ્સની મદદથી માસ્ક અને પેડનું વિતરણ કર્યું હતું. નિવૃત્ત સૈનિક વિંગ કમાન્ડર દીનેશ વાસવાની, રમેશ મેહદિરત્તા અને કેડેટ કોર્પોરલ પૂર્વી કોલછાએ કેડેટ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ કવાયત ચાલુ રાખવાનો અને મણીનગર, ચાંદખેડા, નરોડા, બાપુનગર વગેરે વિસ્તારોમાં 20 જૂનથી 23 જૂન દરમિયાન 2500 પેડ્સનું વિતરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. સેનેટરી પેડના વિનામૂલ્યે વિતરણ ઉપરાંત, ભવિષ્યમાં માસિક સમયની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે રાહત દરે પણ પેડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.