સંપૂર્ણ ખેતર બાગાયતી ખેતીથી છલો-છલ છે અને સામે વાર્ષિક આવક પણ ભારો-ભાર થાય છે
ઈઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતીમાં ગયા વર્ષે રૂ. ૧૫ લાખની આવક થઈ હતી આ વર્ષે તેનાથી પણ વધુ આવક થશે: ખેડુત અણદાભાઈ પટેલ
થરાદ:
મીઠી મધુર અને સ્વાદિષ્ટ ખારેકનું નામ સાંભળતાની સાથે જ મોં માં પાણી આવી જાય છે. હાલની સીઝનમાં બજારોમાં પીળા કલરની ખારેકના ઢગ જોવા મળે છે, પણ તમને એ અંદાજો છે કે, આ ખારેક ક્યાં થાય છે ? તેનુ ઉત્પાદન કેવી રીતે લેવાય છે ? અને મુખ્ય વાત એ કે, આવક કેવી થાય છે ? તો આ તમામ પશ્નોના ઉત્તરો જાણીએ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડુત અણદાભાઇ પટેલ પાસેથી…
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ ભેમજીભાઇ પટેલ જેઓ ૪૦ એકર જમીન ધરાવે છે, અને એ તમામ જમીનમાં ખારેક, દાડમ, પપૈયા, જામફળ અને એપલ બોર જેવા બાગાયતી પોકોનું વાવેતર કરી આત્મનિર્ભર અને પગભર થયા છે. શ્રી અણદાભાઈ પટેલ બાગાયતી ખેતી પર હાથ અજમાવી વર્ષે રૂ. ૧ કરોડની માતબર આવક મેળવી રહ્યાં છે. બાગાયતી ખેતી વડે ખેડૂતો કઈ રીતે સમૃધ્ધ થાય તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પુરૂ પાડ્યુ છે.
સરદાર કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત અણદાભાઈ પટેલ જણાવ્યું કે, ખારેકની ખેતી લાયક પાણીની વ્યવસ્થા વર્ષ-૨૦૦૧ થી થઈ ત્યારથી સારી આવક વાળી ખેતી કરવાના અમને વિચારો આવ્યાં કરતા હતાં. અમને સફળ ખેતીની પ્રેરણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૫માં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવ અભિયાનથી મળી હતી. બાગાયતી ખેતી કઇ રીતે કરવામાં આવે, તેનું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકાય જેવી તમામ સંતોષકારક માહિતી અમને કૃષિ મહોત્સવના કૃષિ રથ દ્વારા મળી. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના કૃષિ અને બાગાયતી વિભાગ તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા બાગાયતી ખેતીની જરૂરી તમામ માહિતી આપવામાં આવી, જેના થકી આજે મારા સંપૂર્ણ ખેતરમાં બાગાયતી પાકો લહેરાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, આજે સંપૂર્ણ ખેતર બાગાયતી ખેતીથી છલો-છલ છે અને સામે વાર્ષિક આવક પણ ભારો ભાર મળે છે.
પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ અને તેમના બે ભાઈઓએ ખારેકની સફળ ખેતી વિશે જણાવ્યુ કે, ખારેકના વાવેતર કરવા માટે ૪ બાય ૩ નો ખાડો બનાવી છાણીયું ખાતર નાખીને ખારેકનું વાવતેર કરવામાં આવે છે તેમજ આ ખારેકનો એક છોડ ૩૮૦૦ રૂપિયામાં મળતો હોય છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૨૫૦ સબસીડી આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ખારેકની પિયત માટે ડ્રીપ ઈરીગેશનથી કરવામાં આવે છે. જેથી પાણીની પણ બચત થાય અને મજુરી પણ ઘટે છે એટલે તમામ ખેતી ડ્રીપ ઈરીગેશનથી જ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ખારેકના વાવતેર બાદ ત્રીજા વર્ષથી ખારેક આવવાની શરૂ થઈ જાય છે અને મને ત્રીજા વર્ષે ૩૦૦ ખારેકના છોડમાંથી રૂ. ૯ લાખની ચોખ્ખી આવક થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યુ કે, ચોથા વર્ષે ખારેકનુ ઉત્પાદન રૂ.૧૫ લાખનું થયું હતું. તેમજ આ વર્ષે ખારેકના એક છોડ પર ૧૨૦ કિ.ગ્રા. ખારેક છે અને ૩૦૦ છોડ ખારેકના છે જેના ઉપર ૩૬,૦૦૦ કિ.ગ્રા. ખારેક છે. વર્તમાન સમયમાં ખારેકના ભાવ ૬૦ થી ૮૦ વચ્ચે છે એટલે ૨૦ થી ૨૫ લાખ રૂપિયાની ખારેક થવાનો અંદાજ છે. તેમણે જણાવ્યું કે, સફળ ખેડૂત થવાના ઘણાં રસ્તાઓ છે પણ તે માટે મહેનત અને ટેકનોલાજીના સથવારે ચાલવુ પડે છે.
ઉલ્લેખનીય છે કે, આ ઈઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પધ્ધતિથી જ કરવામાં આવે છે તેમજ સ્વસ્થ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ખારેકની ખેતીમાં મહત્વની એ વાત છે કે, ખારેકના પાકની સાથે-સાથે આંતર પાક તરીકે અન્ય પાક લઈ શકાય છે. અમે આંતર પાક તરીકે એપ્પાલ બોરની વાવણી કરીએ છીએ જેનાથી વર્ષે રૂ. ૪ થી ૫ લાખની આવક થાય છે. હવે વાવ-થરાદ વિસ્તારમાં ઘણાં ખેડુતો બાગાયતી પાક તરીકે ખારેક વાવતા થયાં છે. હવે બાટાટા, દાડમ બાદ બનાસકાંઠા જિલ્લો ખારેકનું પણ હબ બની રહ્યો છે.