કોરોનામાં ગુજરાતનો આર્થિક વિકાસ ‘વેન્ટિલેટર’ પર છે…?

0
કોરોનામાં ગુજરાતનો આર્થિક વિકાસ ‘વેન્ટિલેટર’ પર છે…?
Views: 91
0 0
Spread the love

Read Time:9 Minute, 9 Second
Views 🔥 કોરોનામાં ગુજરાતનો આર્થિક વિકાસ ‘વેન્ટિલેટર’ પર છે…?

દિલીપ સિંહ ક્ષત્રિય

કોરોના મહામારીએ એના અજગર ભરડામાં એક બે દેશ નહિ આખા વિશ્વને લીધા છે. કોરોનામાં માત્ર વ્યક્તિ શારીરિક નહિ પણ માનસિક,આર્થિક રીતે પણ હવે ભાંગી રહયો છે.સરકાર કોરોનામાંથી લોકોને બેઠા કરવાની અર્થતંત્રને બેઠા કરવાની અનેક દવાઓ આપી હોવાનો દાવો કરે છે. આર્થિક પેકેજના ઓક્સિજન આપે છે ત્યારે પ્રશ્ન એટલો છે કે જો હવે ત્રીજી લહેર આવી તો શું ગુજરાત નું વિકાસ મોડેલ ટકી શકશે ખરું ? શું ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત ની આર્થિક સ્થિતિ તૈયાર છે ખરી ?આજે ગુજરાતની આર્થિક સ્થિતિ એટલે પણ મહત્વની બની જાય છે કેમકે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે અને કોરોનાની બે લહેરનો સામનો કર્યા પછી રાજ્યના ઉદ્યોગો અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના મહત્ત્વના ગણાય તેવા ટેક્સ્ટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, એન્જિનિયરિંગ, સિરામિક અને બાંધકામ જેવા ઉદ્યોગને કોરોનાએ વિપરિત અસર કરી છે.

ગુજરાત ભારતનું કોટન ટેક્સ્ટાઇલ્સ હબ છે. અમદાવાદ અને સુરતે સમગ્ર દેશમાં ટેક્સ્ટાઇલ્સ ઉદ્યોગમાં આગળ પડતું છે પરંતુ કોરોના મહામારીના કારણે આ ઉદ્યોગ ગંભીર સંકટમાં છે. અમદાવાદ સમગ્ર દેશનું સૌથી મોટું ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ હબ છે અને શહેરમાં નાના-મોટા લગભગ 800થી વધારે પ્રોસેસ હાઉસ છે, જે દૈનિક લગભગ 2 કરોડ મીટર કાપડને પ્રોસેસ કરવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. ટેક્સ્ટાઇલ્સ સેક્ટર મોટાપાયે રોજગારીનું સર્જન કરે છે અને રોજગારી આપવાના મામલે રાજ્યમાં કૃષિ અને બાંધકામ ક્ષેત્ર બાદ ત્રીજો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં જીનિંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેટિંગ યુનિટો તથા હોલસેલ બજાર એમ ટેક્સ્ટાઇલની સંપૂર્ણ વેલ્યૂચેઇન છે અને કોરોનાના કારણે આ તમામ સેગમેન્ટને વ્યાપક અસર થઇ છે.

કોરોના વાયરસની બીજી લહેરથી ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થતાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને અસર થઈ છે. ઓછી માંગ અને યાર્નના ઊંચા ભાવના કારણે ગુજરાતમાં લગભગ 50 ટકા પાવરલૂમ બંધ થઈ જતાં 10,000થી વધુ કામદારોની રોજગારી પર સંકટ ઊભું થયું હોવાનું અનુમાન છે.

રાજ્યમાં કેમિકલ્સ ઉદ્યોગ પર કોરોના મહામારીએ વ્યાપક અસર કરી છે. રાજ્યમાં લગભગ 1500થી વધારે ડાઇઝ, ઇન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ યુનિટો છે અને આ યુનિટો લગભગ 2 લાખ જેટલા લોકોને સીધી રોજગારી આપે છે. પ્રથમ લહેર વખતે લોકડાઉનના પગલે મોટાભાગના પરપ્રાંતીય કામદારો વતન પરત ફરી ગયા હતા પરંતુ બીજી લહેર વખતે મોટાભાગના કામદારો હાજર હતા પણ વૈશ્વિક માંગ અને સ્પલાય ઓછો હોવાને કારણે પૂરતું કામ તેમને મળ્યું નથી એવામાં જો ત્રીજી લહેર આવી તો ધંધો એક દમ બેસી જશે.

કોરોના મહામારીની સૌથી ગંભીર સોના ચાંદીના વેપાર ને થઇ. ગુજરાત સોના અને ચાંદીના દાગીના મામલે દેશનું અગ્રણી રાજ્ય છે જ્યારે હીરાના કટિંગ-પોલિશિંગ માટે સુરત સમગ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. કોરોના મહામારીના કારણે પ્રથમ તબક્કામાં જ સોની બજાર માટે માઠાં દિવસો શરૂ થઇ ગયા હતા. રાજ્યમાં સોના-ચાંદીના ઘરેણા બનાવતા લગભગ દોઢથી બે લાખ કારીગરો હતા પરંતુ પ્રથમ વેવ બાદ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો અને બીજી તરફ, લોકોની આવક ઘટી હતી તેથી દાગીનાની માંગ તળિયે પહોંચી હતી.પ્રથમ લહેરમાં અમદાવાદમાં અંદાજે 25,000 કારીગરો બેકાર બન્યાં હતા. બીજી લહેરમાં પણ એ જ સ્થિતિનું પુનરાવર્તન થયું છે. લગ્નો સાદાઇથી યોજાઇ રહ્યા છે ત્યારે મોટા ઘરેણાંનું વેચાણ નહિવત છે.

ગુજરાતના ટુર્સ ઓપરેટરોને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ભલે ઓછું થયું પરંતુ કોરોના અને લૉકડાઉનના કારણે અનેક ધંધા-રોજગારની કમર તોડી નાખી છે. અમદાવાદની 1200 બસો માંથી 1 હજારથી વધુ બસો હજુ પણ બંધ સ્થિતિમાં છે. અમદાવાદમાં 1 હજારથી વધુ બસ ધૂળ ખાઈ રહી છે. લોકડાઉનના કારણે ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બીજી બાજૂ ડીઝલના ભાવ પણ 94ને આસપાસ પહોંચ્યા છે. ત્યારે ડીઝલના ભાવ વધતા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વાઈરસના કારણે ગુજરાતના ટુરીઝમ ઉદ્યોગને કરોડનો ફટકો પડ્યો છે.આગામી સમયમાં હજુ પણ ગુજરાતના ટુર-ટ્રાવેલ્સ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને હજુ પણ વધુ નુકસાન થવાની દહેશત છે.

કોરોનાની પ્રથમ લહેર વખતે જ ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં મોટું નુકસાન થયું હતું. લોકડાઉનના કારણે વર્ષ 2020ના સમર વેકેશનની સમગ્ર સિઝન નિષ્ફળ ગઇ હતી અને ત્યારબાદ પણ લોકોમાં ગભરાટ હતો તેથી ટુરિઝમ સેક્ટરમાં મંદીનો માહોલ હતો. ગયા નાણાંકીય વર્ષમાં બિઝનેસમાં લગભગ 95 ટકા નુકસાન હતું. જોકે, ડિસેમ્બર બાદ ટ્રાવેલ માટે ઇન્ક્વાયરી વધી હતી અને બુકિંગ પણ શરૂ થયા હતા પરંતુ એપ્રિલ મહિનામાં બીજી લહેરના કારણે બુકિંગ કેન્સલ થયાં હતા. રાજ્યમાં 50,000 જેટલા લોકો ટિકિટ એજન્ટ તરીકે જ સક્રિય હતા તે તમામ લગભગ બેકાર બન્યાં છે કારણ કે લોકો હજુ પણ લાંબા અંતરના પ્રવાસ ટાળી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાવેલ એજન્ટ્સે પણ અનેક લોકોની છટણી કરી છે.

કોરોના મહામારીએ રાજ્યમાં ફુડ ઇન્ડસ્ટ્રીને સૌથી ગંભીર ફટકો માર્યો છે. રાજ્યમાં લગભગ 30-40 ટકા જેટલી રેસ્ટોરન્ટ્સ બંધ થઇ ગઇ છે અને તેના કારણે પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2.40 લાખ લોકો બેરોજગાર બન્યાં છે. કોરોનાના પ્રથમ વેવ કરતાં બીજી લહેર વધારે ગંભીર સાબિત થઇ છે અને તેના કારણે રેસ્ટોરન્ટ્સના રિવાઇવલ માટે પણ વધારે પડકારો છે ત્યારે આ સેક્ટર સરકાર દ્વારા મજબૂત સહકારની અપેક્ષા રાખે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં લગભગ 30,000 જેટલા રેસ્ટોરન્ટ્સ છે તેમાંથી 12,000 જેટલા બંધ થઇ ગયા છે અને તેના કારણે તેમાં કામ કરતા લગભગ 2.40 લાખ લોકો બેકાર બન્યાં છે. રાજ્યમાં બીજી 6,000 જેટલી રેસ્ટોરન્ટ્સ એવી છે જેના માલિકોએ હજુ રેસ્ટોરન્ટ્સ ફરી ચાલુ કરી નથી અને સરકારની સ્પષ્ટ નીતિની રાહમાં છે.

કૃષિ,બાંધકામ,જીનિંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગાર્મેટિંગ, સોના ચાંદી, કેમિકલ,ટુર ઓપરેટિંગ અને એવા અનેક વ્યવસાયો છે જેમાં ગુજરાત માત્ર ભારત ને જ નહિ આખા વિશ્વના લોકો ને રોજગારી પૂરું પાડતું હતું,કોરોનાની બે લહેરે આ બધા જ ઉદ્યોગો ને વેન્ટિલેટર પર મૂકી દીધા છે,આવા સમયે જો સરકાર યોગ્ય આર્થિક પગલાં નહિ ભરે અને ત્રીજી લહેર આવી ગઈ તો ગુજરાત નું આર્થિક મોડેલ ભગવાન ભરોશે થઇ જશે..!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *