રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
રાજ્યમાં ચોરી અને લૂંટફાટના ગુનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવી ઘટનાઓમાં ક્યારેક લોકોએ ચોરને પકડીને માર માર્યો હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. તો ક્યારેક ચોરી કરતા સમયે ચોર ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના કલોલ તાલુકાના છત્રાલમાં સામે આવી છે. જેમાં એક ચોર મોબાઈલની દુકાનમાં ચોરી કરવા છતના પતરા પરથી દુકાનમાં ઘૂસવા ગયો હતો. પણ પતરામાં તેનું ગળું ફસાઈ જતા તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા કલોલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ચોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર કલોલ તાલુકાની છત્રાલ GIDCમાં રાત્રીના સમયે એક ચોરે મોબાઈલની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
તેથી મોડી રાત્રે આ ચોર ઇસમ દુકાનમાં ઘૂસવા માટે દુકાનની છત પણ ચઢ્યો હતો. ત્યારબાદ છતના પતરાને અડધા ફૂટ જેટલું ઊંચું કરીને તે દુકાનની અંદર પ્રવેશ કરતો હતો. ચોરે જેવો દુકાનમાં ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યાં તેની ગરદન પતરામાં ફસાઈ ગઈ. શરીરનો વધુ ભાગ દુકાનની છતની નીચેના ભાગે લટકતો હોવાનાથી શરીરનો ભાર પતરામાં ફસાયેલી ગરદન પર આવ્યો હતો. તેથી તેનું કરુણ મોત થઇ ગયું હતું. ચોરના હાથ અને મોઢું છતની ઉપરની સાઈડ હતું અને પગ સહિતનો શરીરનો અન્ય ભાગ પતરાની નીચેની સાઈડમાં હતો.
9 ઓગસ્ટના રોજ સવારે દુકાન માલિક યજ્ઞેશ શાહ દુકાને આવ્યા ત્યારે તેઓ દુકાન ખોલતા જ ડરી ગયા હતા. ત્યારબાદ દુકાન માલિકે તેના પિતાને બોલાવ્યા હતા અને પછી આ ઇસમ કોણ છે તે જાણવા તેઓ છત પર ચઢ્યા હતા. ત્યારે દુકાન માલિકને જાણવા મળ્યું હતું કે, દુકાનનું પતરું અડધા ફૂટ જેટલું ખુલ્લું છે અને આ ઇસમનું મોત અને હાથ પતરાની ઉપરના ભાગમાં છે અને તેનું ગળું પતરાની ધારમાં ફસાઈ ગયું છે અને તેના શરીરનો ભાગ પતરાની નીચેની સાઈડમાં છે. તેથી યજ્ઞેશ શાહે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતક ચોરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેનું નામ અર્જુન છોટે છે અને તે મૂળ ઉત્તર પ્રદેશ છે. અર્જુન રાજુ નામના વ્યક્તિને ત્યાં કોન્ટ્રાકટ પર કામ કરતો હતો. મૃતક અર્જુન મેક્સીમા કોલેનીનો રહેવાસી હતો. તપાસ બાદ પોલીસે અર્જુનના મુતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.