ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાત પહોંચશે. કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે.
ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટમાં બનેલી COVAXINની સૌપ્રથમ બેચને આવતીકાલે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રિલીઝ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશમાં માત્ર એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવાયા અને ‘દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવ’માં એક ઐતિહાસિક કીર્તિમાન સ્થપાયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેની મુલાકાત અત્યંત મહત્વની ગણી શકાય કારણ કે સૌ પ્રથમ વેક્સિન બેચની રિલીઝ સાથે COVAXIN ના ઉત્પાદનમાં પણ ઝડપી વધારો થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ બધાને વેક્સિંન, મફત વેક્સિન’ ના સંકલ્પ ને દ્રઢતા મળશે.