અમદાવાદઃ અંતે ભાજપે પાટીદાર નેતાને મુખ્યમંત્રી બનાવવા પડ્યા. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે એક વખત પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઇએ તેવી માગ કરી ત્યારબાદ આ વાતે રાજકીય રંગ લઇ લીધો અને જોત જોતમાં નરેશ પટેલની ઇચ્છા સમગ્ર પાટીદાર સમાજની માગ બની ગઇ. ચાર મહિના જેટલા રાજકીય ઘમાસણ બાદ અંતે ભાજપે પાટીદાર નેતા એવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા છે.
ભૂપેન્દ્ર પટેલની પસંદગી પાછળનું મુખ્ય કારણ પાટીદાર ફેક્ટર જ માનવામાં આવી રહ્યું છે. અનામત આંદોલન બાદથી પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજની નારાજગી ભારે પડી શકે છે. 2022ની ચૂંટણીમાં થોડા અંશે પાટીદાર ભાજપથી વિમુખ થાય તેવી સંભાવના સામે પાટીદાર કાર્ડ ખેલવામાં આવ્યું છે.
પાટીદારને મુખ્યમંત્રી પદ સોંપી નારાજ પાટીદારોને પોતાની તરફેણમાં લેવાની વ્યૂરચના સાથે ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે. પાટીદાર સમાજે AAP તરફ ઝુકાવ દેખાઇ રહ્યો છે. ચૂંટણીમાં AAP ભાજપનો ખેલ પાડી શકે તેવી સંભાવનાઓને લઇ ભૂપેન્દ્ર પટેલની નિયુક્તી કરાઇ હતી.
ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી ભાજપે એક કાંકરે બે પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે. એક તો પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઇએ તેવી તાકતવાર પાટીદાર સમાજની માગ પણ પુરી કરી. પરંતુ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવો તેવી ક્યારેય પાટીદાર સમાજે માંગ નથી કરી. ભૂપેન્દ્ર પટેલ ક્યારેય જાતિવાદી રાજનીતિનો ભાગ નથી બન્યા. તેઓ ક્યારેય જાતિવાદ પર બોલ્યા નથી. અથવા તો કોઇ સમાજના આગેવાનો હોવાની પણ તેમના પર છાપ નથી. એટલે કે અન્ય કોઇ સમાજ પાટીદાર સમાજના મુખ્યમંત્રી બનાવ્યા તેવું કહીને વિરોધ પણ ન કરી શકે તે માટે થઇને ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હોઇ શકે છે.
ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
મેમનગર પાલિકાના પ્રમુખથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર ભૂપેન્દ્ર પટેલ બન્યા CM
વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલની ગુજરાત વિધાનસભામાં આ પહેલી જ ટર્મ છે
આનંદીબહેનના બહુ નજીકના ગણાતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી ભાજપે તમામ જુથને ચોંકવી દીધા
નગર પાલિકાના પ્રમુખ પદ પરથી ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર થઈ શરૂ
અમદાવાદ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહ્યા
ઔડાના ચેરમેન તરીકે પણ મહત્વની જવાબદારી કરી ભૂપેન્દ્ર પટેલ કરી વહન
2017ની ચૂંટણીમાં આનંદીબહેન પટેલની બેઠક ઘાટલોડિયા વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા
2017માં વિધાનસભામાં જંગી બહુમતીથી જીત્યા