ગાંધીનગરઃ મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી જવા પામ્યો છે. થોડા સમય પહેલા જ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 2022ની વિધાનસભાની ચૂંટણી વિજયભાઇ અને નીતિનભાઇના નેતૃત્વમાં ભાજપ પડશે. પરંતુ આજે વિજય રૂપાણીએ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતું.
વિજય રૂપાણી આજે સવારે સરદારધામ-2ના ખાતમુહૂર્ત કાર્યક્રમથી સીધા રાજભવન પહોંચ્યા હતા. સામાન્ય રીતે વિજય રૂપાણી દરેક કાર્યક્રમને અંતે મીડિયા સાથે વાતચીત કરતા હોય છે પરંતુ આજે તેઓ કાર્યક્રમમાંથી સીધા જ નિકળી ગયા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર તેમને રાજીનામું આપવાનું છે તેવી વાત તેમને ગત રાત્રે અથવા આજે વહેલી સવારે જાણ કરવામાં આવી હોય. એક મુખ્યમંત્રી આટલા હોંશભેર રાજ્યના વિવિધ સમાજોના કાર્યક્રમમાં હાજરી આપતો હોય તે અચાનક રાજીનામું આપી એટલે તેમાં એકવાત તો ચોક્કસ કહી શકાય કે આ રાજીનામું તેમને આપ્યું નથી તમને જબરદસ્તીપૂર્વક અપાવવામાં આવ્યું છે. વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું બાદ જણાવ્યું હતું કે, હું પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી જે આદેશ કરે તે બધાએ માન્ય રાખવો પડે છે.
રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી જ્યારે મીડિયા સાથે વાત કરવા આવ્યા ત્યારે તેમણે હિન્દીમાં વાત કરી હતી. સામાન્ય રીતે વિજય રૂપાણી હિન્દી બોલાવાનું ટાળતા હોય છે પરંતુ તેમને આગ્રહ કરવામાં આવે તો તેઓ પોતાની આગવી સ્ટાઇલમાં જ હિન્દી બોલતા હોય છે. પરંતુ આજે હિન્દી ભાષામાં જે સ્ક્રીપ્ટ તેમને સોંપવામાં આવી તે જ સ્ક્રીપ્ટ તેઓ બોલ્યા હતા. જેમાં મોટા ભાગે પાર્ટીના નિયમો, કાર્યકર્તા તરીકેને ફરજો અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ અંગેની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોઇ પણ વ્યક્તિ પોતાના જીવનનો મોટો નિર્ણય લીધો હોય ત્યારે તે કોઇ સ્ક્રીપ્ટ વાંચવાનું પસંદ નથી કરતો પરંતુ પોતાના દિલની વાત હોય તે લોકો સમક્ષ રાખે છે. પરંતુ વિજયભાઇ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા છતાં પોતાની રીતે બોલવાની જગ્યાએ તેમને જે બે પેજમાં લખાણ આપવામાં આવ્યું હતું તે જ વાંચી ગયા. પોતાની રીતે કોઇ પણ વાત કરી ન હતી.
વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે મહિનામાં એક વખત મોકળા મને વાત કાર્યક્રમનું આયોજન કરતા હતા. જેમાં તેઓ વિવિધ વર્ગના લોકોને બોલાવી તેમના પ્રશ્ન અને તેમની વાતો સાંભળી તેમના ઉકેલ માટે પ્રયાસ કરતા હતા. તે સમયે પણ વિજય રૂપાણી પોતાની રીતે જ બોલતા હતા કોઇ સ્ક્રીપ્ટ વાંચતા ન હતા. પરંતુ આજે વિજય રૂપાણી એટલા મજબૂર હતા કે, તેમણે મુખ્યમંત્રી પદે રહેતા છેલ્લી પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે પણ મોકળા મને વાત કરી શક્યા ન હતા. વિજય રૂપાણી આજે ઘણા વિવશ દેખાઇ રહ્યાં હતા. તેઓ માત્ર તેમને જે લખાણ મળ્યું હતું તે નિર્દોષ બાળકની માફક વાંચી ગયા હતા.