ગાંધીનગરઃ ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ આજે યોજાશે. અગાઉ મંત્રીમંડળનો કાર્યક્રમ 16 સપ્ટેમ્બર ગુરુવાર હતો પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આજે બપોરે રાજભવન ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય નવા મંત્રીઓને શપથ લેવડાવશે. નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. તેમજ જુના મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ ના કરાય તેવી પણ શક્યતાઓ છે.
નવા મંત્રી મંડળને લઈને ગાંધીનગરમાં હલચલ તેજ બની હતી. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તમામ ધારાસભ્યોને સૂચના અપાઈ હતી કે, તેમને 10 વાગ્યે જ રાજભવન પહોંચી જવાનું છે, પરંતુ કોઈ કારણ અપાયું ન હતું. છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલી કરવાનો નિર્ણય લેવાતા નો-રિપિટ થિયરી લાગુ કરાય તેવું પક્ષના નેતાઓ માની રહ્યા છે.
ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો તેમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે.
રૂપાણી સરકારના 22 મંત્રીઓના કદને ઘટાડી 16 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ છે. જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દિલિપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રીપિટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બદલે શિક્ષણખાતુ આપવામાં આવી શકે છે.