દિલ્હીઃ પાકિસ્તાન જાસૂસી સંસ્થા ISI ભારતમાં અશાંતિ ફેલાવવા માટે નવું ષડયંત્ર રચી રહી છે. તેના માટે આ વખતે ગુજરાતના જૂનાગઢના કથિત પૂર્વ નવાબ મોહમ્મદ જહાંગીર ખાનનો ઉપયોગ કર્યો છે. જહાંગીર ખાને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પાસે કશ્મીરની માફક જૂનાગઢને ભારતથી આઝાદ કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
વૈશ્વિક આતંકવાદ ફેલાવવાના મામલે ખુલ્લુ પડી ગયેલું પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. કશ્મીર મામલે વારંવાર પછડાત ખાધા બાદ પણ ISI ભારતને પરેશાન કરવા માટે થઇને ષડયંત્રો ઘડતી રહી છે. હવે કશ્મીરની સાથે જૂનાગઢનો પણ રાગ આલોપ્યો છે. જેના માટે જૂનાગઢના કથિત પૂર્વ નવાબ મોહમ્મદ જહાંગીર ખાનને ઢાલ બનાવી છે. પૂર્વ નવાબે પાક.ના વડાપ્રધાન પાસે માંગણી કરી છે કે, વૈશ્વિક મંચ પર કશ્મીરની સાથે સાથે જૂનાગઢની આઝાદીનો મુદ્દો ઉઠાવવામાં આવે.
રેડિયો પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, જહાંગીર ખાને આ મામલે એક નિવેદન પણ આપ્યું છે. ખાને જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને જૂનાગઢ મુદ્દે પણ ચર્ચા કરવી જોઇએ. પાકિસ્તાન સરકારે જૂનાગઢના મુદ્દાને પણ કશ્મીર જેટલી જ સક્રિયતાથી ઉઠાવવો જોઇએ. ખાને જણાવ્યું હતું કે, જૂનાગઢની આઝાદી મોહમ્મદ અલી ઝીણા અને મહાબત ખાનનું પણ સ્વપ્ન હતું.
કથિત નવાબે જણાવ્યું હતું કે, જૂનાગઢ પાકિસ્તાન છે. હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન ભારતના જૂનાગઢ પર કબ્જાનો મુદ્દો ઉઠાવે. આ કબ્જો આંતરરાષ્ટ્રીય કાયદાઓના વિરોધમાં છે. આ અગાઉ પાકિસ્તાને પોતાનો દેશનો નક્શો જાહેર કર્યો હતો. પાકે. ભારત સાથે જે ક્ષેત્રોને લઇ વિવાદ ચાલી રહ્યો છે તેના પર પોતાનો દાવો મજબૂત કરવા આ ક્ષેત્રોને પોતાનો ભાગ દર્શાવ્યો હતો. આ નક્શામાં પાકે. કશ્મીર, સિયાચિન પર ખુલીને દાવો કર્યો હતો. પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારને પણ તેમણે પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. જૂનાગઢને 1948માં જનમત સંગ્રહ કર્યા બાદ ભારતમાં વિલય કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, આઝાદી બાદ તત્કાલિન ગૃહમંત્ર સરદાર પટેલ 582 રજવાડાઓનો ભારતમાં વિલય કરાવ્યો હતો. ત્યારે જૂનાગઢના નવાબ પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા. પરંતુ જૂનાગઢમાં હિન્દૂ લોકોની વસ્તી વધુ હતો. લોકો ભારત સાથે રહેવા માગતા હતા. ત્યારબાદ નવાબ પરિવાર ઝીણા સાથે કરાર કરી જૂનાગઢ ભાગી ગયો હતો. જૂનાગઢના તે સમયના નવાબ હતા મોહમ્મદ જહાંગીર ખાન. હાલમાં પાકિસ્તાનમાં તેમના વંશજો મોહમ્મદ જહાંગીર ખાન તેમજ અન્ય લોકોને પટ્ટાવાળા કરતા પણ ઓછું વેતન આપવામાં આવે છે. અત્યંત ખરાબ હાલત હોવા છતાં પણ તેઓ જૂનાગઢને ભારતથી અલગ કરવાના સ્વપ્ન જોઇ રહ્યાં છે.