ગાંધીનગરઃ વરસાદી આફત અને વિવાદોની વચ્ચે ગાંધીનગરનો રાજકીટ ઘટનાક્રમ ભારે ચર્ચાસ્પદ રહ્યો છે. અંતિમ ઘડીએ નવા મંત્રીઓની શપથ વિધીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. રાજભવન ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ગાંધીનગર અને મોટા શહેરોમાં પણ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. વિજય રૂપાણીના મંત્રીમંડળના તમામ મંત્રીઓને પડતા મુકાતા સિનિયર નેતાઓમાં ભારે નારાજગી છે. નવા મંત્રીઓ બનવાના હતા તેમને કોલ કરી જાણ કરવામાં આવી હતી. પરંતુ અંતિમ ઘડીએ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે.
આજે નવા મંત્રીમંડળ માટે તદ્દન નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. નવા મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી છતાં પણ જેમને મંત્રી બનાવવાના છે તેમને જાણ કરી દેવામાં આવી છે. આમાં કોઇ પણ મંત્રીને રિપિટ ન કરવામાં આવતા સિનિયર નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ મંત્રીમંડળમાંથી પડતા મુકાતા તેમણે ભાજપની કામગીરી પર સવાલ ઉઠાવી લીધા છે. સર્વસ્વ મુકીને આવ્યા હોવા છતાં આવો અન્યાય કેમ કરવામાં આવ્યો તેવો પ્રશ્ન કરી રહ્યાં છે.
કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મંત્રીઓને પડતા મુકાતા રોષ જોવા મળ્યો હતો. ભાજપે નો રિપિટ થિયરીને અંતર્ગત કામગીરી હાથ ધરી છે. ફરી એકવાર ગુજરાત ભાજપ માટે ટેસ્ટિંગ લેબોરેટરી સાબિત થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક સાથે તમામ મંત્રીઓને હટાવવામાં આવ્યા હોય તેવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી. પૂર્વ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, પાર્ટી જે કામગીરી સોંપશે તે કરવા માટે તૈયાર છીએ.
આ તમામ શક્યતાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાત આવશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ભાજપે આ વખતે તદ્દન નવી થિયરી અપનાવી છે. ભાજપ તરફથી ગત રાતથી સિનિયર મંત્રીઓને મનાવવા માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. વિજય રૂપાણી અને નીતિન પટેલને પણ મનાવવામાં આવ્યા હતા. તમામ સિનિયર મંત્રીઓને પડતા મુકાતા જે સ્થિતિ ઉભી થઇ છે તેને લઇને શપથવિધીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.