આઠમના હોમ-હવન અને યજ્ઞને લઈને શ્રદ્ધાળુ ભક્તોમાં માંઈ ભક્તિનો માહોલ છવાયો
ધનાસુથારની પોળના 800 વર્ષ જૂના અતિ પ્રાચીન અને ઐતિહાસિક અંબાજી મંદિરમાં માતાજીના નયનરમ્ય મહિસાસુરમર્દિની સ્વરૂપમાં આઠમની ભવ્ય ઉજવણી
કોવીડ ગાઇડલાઇન્સના પાલન વચ્ચે ધનાસુથારની પોળના અતિપ્રાચીન અંબાજી મંદિરમાં માતાજીની ભવ્ય મહાઆરતી અને ચમત્કારિક નવચંડી મહાયજ્ઞ યોજાયા, જો કે, માતાજીની પૂજા – અર્ચના અને ભક્તિની પ્રાચીન પરંપરા જાળવી રખાઈ
સોલા રોડ ખાતે ચાંદની એપાર્ટમેન્ટ સ્થિત અંબાજી માતાજી મંદિરમાં ફુલોની રંગોળી, વિવિધ હાર, માતાજીને અદ્ભત નવી સાડીઓના આકર્ષક સાજ-શણગાર અને પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, સાથે સાથે આઠમ નિમિતે મંદિરમા નાની રંગાયેલી માટલીઓની ગરબીનું સુંદર આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું
અમદાવાદ, તા. 13
નવરાત્રિપર્વની સૌથી અનેરૂ , ચમત્કારિક અને શાસ્ત્રોક્ત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમિત્તે આજે શહેરના વિવિધ વિસ્તારમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના 800 વર્ષ જૂના અતિપ્રાચીન અંબાજી માતાના મંદિર, ભુલાભાઈ પાર્કના બહુચરાજી માતાજી, માધુપુરા અંબાજી માતા, દૂધેશ્વર સ્થિત મહાકાળી માતા, સોલા રોડ પર ચાંદની એપાર્ટમેન્ટ ખાતે આવેલા અંબાજી માતા સહિતના વિવિધ મંદિરોમાં આજે આઠમ નિમિત્તે માતાજીના અદભુત સાજ શણગાર, હોમ-હવન અને મહાયજ્ઞ તેમજ શ્રદ્ધાળુ ભક્તો માટે વિશેષ પ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે વિવિધ અંબાજી મંદિરોમાં સરકારની ગાઇડલાઇન્સ અને માર્ગદર્શિકાઓનું પણ ચુસ્તપણે પાલન કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તે વચ્ચે પણ ભક્તોની શ્રધ્ધા અને આસ્થા માઈ ભક્તિની સ્પષ્ટ પ્રતીતિ કરાવતી હતી.
નવરાત્રી દરમિયાન અષ્ટમીની પૂજા આરાધનાનું વિશેષ અને ચમત્કારિક મહાત્મ્ય હોવાથી શહેરના માતાજીના મંદિરોમાં આજે આઠમને લઇ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જેને લઈને માતાજીની ભક્તિનો માહોલ છવાયો હતો. આજે આઠમ નિમિત્તે વિવિધ અંબાજી મંદિરોમાં માતાજીના મહાગૌરી સ્વરૂપે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તો કેટલાક મંદિરોમાં આજે આઠમ નિમિતે માતાજીની મહાગૌરી સ્વરૂપની સાથે સિદ્ધિદાત્રી સ્વરૂપની પણ ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તો વળી શહેરના 800 વર્ષ જૂના અતિપ્રાચીન ધનાસુથારની પોળના અંબાજી મંદિર ખાતે ભકતો માતાજીનું મનોહર અને નયનરમ્ય એવા મહિસાસુરમર્દિની રૂપના દર્શન કરી ભારે ધન્યતા અનુભવતા હતા. આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ભક્તો અને દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. શહેરના ધનાસુથારની પોળ ખાતે આવેલા 800 વર્ષ જૂના અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવા અંબાજી મંદિરનો ઈતિહાસ ઘણો રસપ્રદ અને ગૌરવવંતો રહ્યો છે. આ મંદિરના ગાદીપતિ શ્રી ભૂપેન્દ્રભાઇ ભટ્ટ તાજેતરમાં જ માતાજીના શરણ થયેલ હોઇ(દેવલોક પામ્યા હોઇ) હાલ તેમના ધર્મપત્ની ગં.સ્વ.લીનાબેન ભટ્ટ અને અનુગામી વંશજ દિપેનભાઇ ભટ્ટ માતાજીના મંદિરનો સમગ્ર કાર્યભાર સંભાળી રહ્યા છે. સ્વ.ગાદીપતિ ભૂપેન્દ્રભાઇ ભટ્ટે વર્ષો સુધી અંબાજી મંદિરની બહુ જ પ્રશંસનીય રીતે તન, મન અને ધનથી માતાજીની સેવા-પૂજા અને ભકિત કરી હતી, જેના પરિણામસ્વરૂપ આ મંદિરની યશ, કિર્તી અને ખ્યાતિ માત્ર અમદાવાદ જ નહી પરંતુ ગુજરાત અને વિશ્વભરમાં પ્રસિધ્ધ થયા છે. સ્વ.ગાદીપતિ ભૂપેન્દ્રભાઇ ભટ્ટના તાજેતરના નિધનને પગલે ભકતોમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી રહી છે. લાખો માંઇભકતો અહીંના ચમત્કારિક અંબાજી માતાજીના દર્શન કરી માનતા માની પોતાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરતા આવ્યા છે.
દરમ્યાન આ મંદિરની પ્રાચીન કથા વિશે ગાદીપતિ દિપકભાઈ ભટ્ટે જણાવ્યું કે, સદીઓ પૂર્વે જ્યાંથી સાબરમતી નદી વહેતી હતી તે હાલના માણેકચોક અને ફર્નાન્ડીઝ બ્રિજ વિસ્તારમાં કોતરો હતા અને હાલનો રીલીફરોડ અને ગાંધી રોડ વિસ્તાર પણ ખુલ્લો જંગલ જેવો હતો એ અરસામાં આ મંદિર અને મૂર્તિની સ્થાપના થયા હોવાનું મનાય છે. ખુદ લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધનકારોના મત મુજબ, ધનાસુથારની પોળ સ્થિત આ અંબાજી માતાની મૂર્તિ સદીઓ પુરાણી છે અને મંદિર પણ એટલું જ જુનું અને અતિ પ્રાચીન છે.
અંબાજી મંદિરના ગાદીપતિ દિપેનભાઇ ભટ્ટે વધુમાં ઉમેર્યું કે, આ ઐતિહાસિક અંબાજી મંદિરનો 207 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર કરાયો હતો. અગાઉ કોમી તોફાનો દરમિયાન આ મંદિર પર એમઇ – 32 પ્રકારના બોમ્બ ફેંકાયા હતા પરંતુ માતાજીનો ચમત્કાર એટલો જબરદસ્ત હતો કે, મંદિર કે મૂર્તિને ઉની આંચ પણ આવ્યા ન હતા. ધનાસુથારની પોળ સ્થિત અંબાજી મંદિર શહેરનું એક માત્ર મંદિર એવું છે કે જ્યાં નવરાત્રી દરમિયાન આઠમ સુધી રોજ માતાજીની 108 દીવાઓની ભવ્ય આરતી ઉતારવામાં આવે છે. આઠમ નિમિત્તે આજે રાત્રે ૧૨ વાગ્યાથી વિશેષ મહાયજ્ઞ અને હવન યોજાશે. સતત પાંચ કલાક સુધી ચાલતા આ નવચંડી મહાયજ્ઞમાં સવારે 5:00 વાગ્યે શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન કરવામાં આવશે. જો કે, કોરોના મહામારીના કારણે આ વર્ષે માતાજીની ભવ્ય મહાઆરતી અને ચમત્કારી હવન અને નવચંડી મહાયજ્ઞ કોવીડ ગાઇડલાઇન્સ વચ્ચે જ કરવામાં આવ્યા હતા પરંતુ માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિની વર્ષો જૂની પ્રાચીન પરંપરા એ જ પ્રકારે જાળવી રાખવામાં આવી હતી. જ્યારે આવતીકાલે નોમના દિવસે હજારો શ્રધ્ધાળુ ભકતો આ યજ્ઞ કુંડની ભસ્મ લેવા પડાપડી કરશે. કારણ કે નવરાત્રીની આઠમના આ મહાયજ્ઞ અને તેની ભસ્મની ચમત્કારિક મહાત્મ્ય હોઈ શ્રદ્ધાળુઓમાં તેને આખું વર્ષ પોતાની તિજોરી, ધંધા રોજગારના સ્થળોએ તેને સંઘરી રાખવાની અનોખી માન્યતા છે કે જેથી માતાજી ભક્તો પર અનેરી કૃપા વરસાવે છે.
શહેરમાં આજે ભદ્રકાળી મંદિર સહિતના વિવિધ મંદિરોમાં માતાજીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓએ લાંબી લાઇનો લગાવી હતી. આઠમ ને લઇ આજે ભદ્રકાળી મંદિર ધનાસુથારની પોળના અતિપ્રાચીન અંબાજી માતાજી મંદિર, માધુપુરા અંબાજી મંદિર, ભુલાભાઈ પાર્ક સ્થિત બહુચરાજી માતાજી, દૂધેશ્વર સ્થિત મહાકાળી માતાજી અને સોલા રોડ ખાતે ચાંદની એપાર્ટમેન્ટ સ્થિત અંબાજી માતાજી સહિતના મંદિરોમાં માતાજીનો વિશેષ અને ભવ્ય સાજ શણગાર કરવામાં આવ્યો હતો. સોલા રોડ ખાતે ચાંદની એપાર્ટમેન્ટ સ્થિત અંબાજી માતાજી મંદિરમાં આજે ફુલોની રંગોળી, વિવિધ હાર, માતાજીને અદ્ભત નવી સાડીઓના આકર્ષક સાજ-શણગાર અને પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આઠમ નિમિતે મંદિરમા નાની રંગાયેલી માટલીઓની ગરબીનું સુંદર આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું હતું. આજે આઠમને લઇ સમગ્ર મંદિરમાં ફુલોના તોરણ અને ઝુમ્મરના આકર્ષણો પણ ઉભા કરવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી હરેશભાઇ વ્યાસ, રણછોડ મંડળના ભીખીબહેન વાઘેલા તથા અન્ય બહેનોએ પણ માતાજીના શણગાર અને ફુલોની રંગોળી તથા આકર્ષણો ઉભા કરવામાં ભારે યોગદાન આપ્યું હતું. જેના કારણે આજે ચાંદની એપાર્ટમેન્ટ ખાતેના અંબાજી મદિરમાં ભકતોની ભારે ભીડ જામી હતી. શ્રધ્ધાળુઓએ માતાજીના આજના નયનરમ્ય અને મનોહર દર્શન કરીને ભારે ધન્યતા અનુભવી હતી. આઠમ નિમિતે આજે રાત્રે અંબાજી માતાજીની 108 દિવાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે માતાજીની અનોખું મહાત્મ્ય ધરાવતી આઠમને લઈને હજારો શ્રધ્ધાળુ દર્શનાર્થીઓની ભીડના કારણે શહેરના વિવિધ અંબાજી મંદિરોમાં જાણે માંઈ ભક્તિનો માહોલ છવાયો હતો.
પૌરાણિક ઇતિહાસ મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે સખત તપ કર્યું હતું. જેના કારણે તેમનું શરીર કાળુ થઈ ગયું હતું, ભગવાન શિવે તેમના પર ગંગાજળ છાંટ્યું હતું અને ફરીથી તેમને ગોરો રંગ આપ્યો હતો. ત્યારથી માતાજીના આ સ્વરૂપને મહાગૌરી તરીકે પૂજવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર, દર મહિનાની આઠમને દુર્ગા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે નવરાત્રિની આઠમને મહાષ્ટમી કહેવામાં આવે છે. નવરાત્રિની આઠમનું બહુ અનેરૂ અને અનોખુ મહાત્મય હોય છે, આ દિવસે માતાજીની સેવા-પૂજા અને ભકિતના કારણે માતાજીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે.