આજના આધુનિક અને ભાગદોડભર્યા પૈસાની પાછળ દોટ મૂકતા જીવન વચ્ચે માતા-પિતા, વડીલો અને સીનીયર સીટીઝન્સની ઉપેક્ષા થઇ રહી છે ત્યારે સુપરસીટીએ બહુ સુંદર અને પ્રેરણારૂપ કાર્યક્રમ યોજી સમાજને એક નવી રાહ ચીંધવાનો નમ્ર પ્રયાસ કર્યો
યુવાનોએ ખાસ કરીને નવી પેઢીએ પણ થોડી સહનશકિત, સમજણ અને સમાધાનકારી વલણ અપનાવીને પણ માતા-પિતાને કયારેય તરછોડવા જોઇએ નહી કે, તેમને વૃધ્ધાવસ્થાનો દરવાજો બતાવવો જોઇએ નહી કારણ કે, તે ખરેખર તો તેઓનું એક સામાજિક અપમાન છે, જે કોઇપણ સંજોગોમાં યોગ્ય, ઉચિત કે આવકાર્ય નથી – પાટીદાર અગ્રણી શ્રી બળવંતભાઇ પટેલ
અમદાવાદ,
આજના કહેવાતા આધુનિક અને પૈસાની પાછળ આંધળી દોટ મૂકી દોડી રહેલા ભાગદોડ, વ્યસ્તતા અને માનસિક તણાવભર્યા જીવન વચ્ચે પારિવારિક અને સામાજિક સંબંધો વેરવિખેર થઇ રહ્યા છે ત્યારે શહેરના હરેકૃષ્ણ મંદિર રોડ, ભાડજ ખાતે આવેલા સુપર સીટી ખાતે નૂતન વર્ષ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ હતી કે, કાર્યક્રમ દરમ્યાન સુપરસીટીના વડીલો, સીનીયર સીટીઝન્સ અને મહાનુભાવોનું શાલ ઓઢાડી ભારે આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહી, તમામ વડીલો, સીનીયર સીટીઝન્સ અને મહાનુભાવોને રામાયણ અને ગીતાના પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા.
આમ, સુપરસીટી દ્વારા સમાજમાં માતા-પિતા, વડીલો અને સીનીયર સીટીઝન્સના માન, સન્માન અને તેમની કદર કરી સમાજમાં તેમની આગવી મહત્વતા દર્શાવી તેમના થકી જ સમાજ સંગઠિત અને સંપ સાથે સુખ, શાંતિ અને સમૃધ્ધિના શિખરો સર કરી શકે છે, તેવી બહુ ઉમદા અને અનોખી સામાજિક પ્રેરણા અને સંદેશ આપવાનો સુંદર પ્રયાસ કરાયો હતો.
આ પ્રસંગે સુપરસીટીના પાટીદાર અગ્રણી શ્રી બળવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, માતા-પિતા અને વડીલો એ ભગવાન સમાન છે. સમાજમાં માતા-પિતા અને વડીલોનું એક આગવુ અને બહુ આદરપૂર્વકનું સન્માનીય સ્થાન છે અને તેને કયારેય અવગણી શકાય નહી. આજના જમાનામાં આધુનિકતા અને પૈસા પાછળની આંધળી દોડની લ્હાયમાં માતા-પિતા, વડીલો અને સીનીયર સીટીઝન્સની કયાંય ને કયાંક અવગણના અને ઉપેક્ષા થઇ રહી છે, તે અયોગ્ય અને અનિચ્છનીય છે. વાસ્તવમાં, માતા-પિતા, વડીલો અને સીનીયર સીટીઝન્સ સમાજમાં એક આગવું સ્થાન, આદર અને મોભો ધરાવે છે, તેમની હાજરી અને આશીર્વાદ થકી જ પારિવારિક અને સામાજિક વિકાસ શકય છે. આજના કળિયુગમાં પેટે પાટા બાંધી સંતાનોને ઉછેરનારા સંતાનો જયારે તેમના માતા-પિતા કે વડીલોને તરછોડી વૃધ્ધાવસ્થામાં મૂકી આવે છે ત્યારે તે માતા-પિતા અને વડીલોના હ્રદય પર કેવા કારમા વજ્રાઘાત ઝીંકાતા હશે તે તેમનો અંતરાત્મા જ જાણી શકે…
તેમણે ઉમેર્યુ કે, યુવાનોએ ખાસ કરીને નવી પેઢીએ પણ થોડી સહનશકિત, સમજણ અને સમાધાનકારી વલણ અપનાવીને પણ માતા-પિતાને કયારેય તરછોડવા જોઇએ નહી કે, તેમને વૃધ્ધાવસ્થાનો દરવાજો બતાવવો જોઇએ નહી કારણ કે, તે ખરેખર તો તેઓનું એક સામાજિક અપમાન છે, જે કોઇપણ સંજોગોમાં યોગ્ય, ઉચિત કે આવકાર્ય નથી. પાટીદાર અગ્રણી શ્રી બળવંતભાઇ પટેલ, સંદીપભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ સુપરસીટીના વડીલો, સીનીયર સીટીઝન્સ સહિતના મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરી તેઓને વાલ્મીકી રામાયણ અને ગીતાના પુસ્તકો અર્પણ કર્યા હતા અને પગે લાગી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. જે ખરેખર એક પ્રેરણારૂપ સેવા કાર્ય બની રહ્યું હતું.
દરમ્યાન સુપરસીટી ખાતે લોકડાયરા, વડીલોના સન્માન અને રામાયણ-ગીતા પુસ્તક અર્પણના કાર્યક્રમની સાથે સાથે ખાસ પ્રકારે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લઇ રકતદાન કર્યું હતું. રકતદાન શિબિર મારફતે કુલ 106 બોટલ રકત એકત્ર કરી રેડક્રોસ સોસાયટીને અર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુપરસીટીમાં ગ્લોરી, પ્રાઇડ, ગ્રાન્ડ અને ડ્રીમ એમ ચાર વિભાગ છે, જેમાં ગ્લોરી પરિવાર અને કમીટી દ્વારા ગ્લોરી ખાતે ડાયરો અને વડીલોનું સન્માન અને પ્રાઇડ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં જાણીતા કલાકારો વિષ્ણુભાઇ પનારા, પંકજભાઇ દવે, જીતુભાઇ રાવલ, ભાવનાબહેન નાયક સહિતના કલાકારોએ ભારે રંગત જમાવી જમાવટ કરી અને લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયુ હતું. નોંધનીય છે કે, સુપરસીટી, ભાડજ ખાતે સદાશિવ મહાદેવ ખાતે મહાદેવજીની મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભોળાનાથની દિવ્ય મૂર્તિની સાથે સાથે શિવલિંગ ઉપરાંત, માતા પાર્વતી અને ગંગા મૈયાની મૂર્તિની પણ ગર્ભગૃહમાં પ્રતિષ્ઠા કરાઇ છે. ગર્ભગૃહની બહાર શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી દાદાની સુંદર મૂર્તિઓનું સ્થાપન કરાયું છે. આ સિવાય સદાશિવ મહાદેવ સંકુલમાં શ્રી અંબાજી માતાજી, શ્રી સરસ્વતી માતાજી, શ્રી રામ દરબાર, શ્રીનાથજી મહારાજ, શ્રી લક્ષ્મી નારાયણ, શ્રી રાધા કૃષ્ણની પણ ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરાઇ છે. જયારે સંકુલમાં નાના મંદિરોમાં સાંઇબાબા, શનિ દેવજી, બળિયા દેવ, શીતળા માતાજી, હનુમાનજી દાદાનું મંદિર બનાવવામાં આવ્યા છે. સુપરસીટી ખાતેના સુંદર પ્રેરણાત્મક કાર્યક્રમ દરમ્યાન શ્રી બળવંતભાઇ પટેલ, સંદીપભાઇ પટેલ, વિષ્ણુભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ અને પ્રકાશભાઇ પટેલ સહિતના આગેવાનો પણ વિશેષ હાજર રહ્યા હતા.