ડોલર ચુડાસમા, મોરબી
મોરબીના રવાપર રોડ પર આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્ક શાખાના કર્મચારીએ ખાતેદારોની જાણ બહાર રસીદ વગર પ્રિ મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી રૂપિયા ૧.૯૨ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને ખાતેદારોની મરણ મૂડી સામે સવાલ ઉભો થતા ખાતેદારોના પેટમાં ફાળ પડી છે. ચોંકાવનારા ઉચાપત કૌભાંડની વિગત મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી રવાપર બ્રાન્ચમાં બેંકના ભેજાબાજ કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટીવાળાએ નોકરી દરમ્યાન પોતાનું ઘર ભરવાના બદઈરાદે આશરે ૫૯ ખાતાધારક, સાહેદોની કોઇપણ જાતની રસીદ વગર પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતાધારકના ચેકોમાં પોતે સહીઓ કરી જાણ બહાર નેટબેંકીંગ ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના કર્યાની બેંકના ઉપરી અધિકારી ધર્મેશ કાશીરામ મોરે ને જાણ થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી કર્મચારીએ ૫૯ જેટલા ખાતાધારક સાહેદોના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ રૂ. ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી ઓળવી જવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસ પકડથી દૂર રહેલ ભેજાબાજ કર્મચારી ઝડપાયા બાદ ઠગાઈ પ્રકરણમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે સામે આવશે.