ડોલર ચુડાસમા, મોરબી
મોરબી : મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે આ પુલિયુ તૂટી ગયું હતું. આથી શાપર અને ગાળા ગામ વચ્ચેના જોખમી પુલિયા ઉપર અવરજવર ન કરવાની અપીલ કરી અજય લોરીયાએ પુલિયા માટે રૂ. 4 કરોડ થી વધુની ગ્રાન્ટ મંજુર થઈ હોય પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણી બાદ કામ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું.મોરબીના ગાળા ગામ પાસે નદી ઉપર બંધાયેલું પુલીયું ઘણા સમયથી ભયજનક હાલતમાં છે. આ પુલિયુ એકદમ સાંકડું છે. ઉપરથી પુલીયું લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. તેમ છતાં આ પુલિયાને રિપેરીગ કરવાની જવાબદાર તંત્રએ કોઈ તસ્દી ન લેતા આજે ભોપાળુ બહાર આવ્યું હતું.જેમાં આ પુલીયું તૂટી ગયું છે. પુલિયા નીચે મોટો હોલ પડી ગયો છે. એના ઉપર બાઈક ચાલકો પસાર થાય તો તુરંત જ નીચે ખાબકે તેવી હાલત છે.
હવે આ પુલિયા ઉપર અવરજવર કરવી એટલે સામે ચાલીને મોતને આમંત્રણ આપવા બરોબર છે
આથી તંત્ર ઝડપથી નવો પુલ બનાવવાની કામગીરી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી હતી.આ મામલે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ જણાવ્યું હતું કે, મોરબીના ગાળા અને શાપર ગામ વચ્ચે આવેલ પુલિયુ તૂટી જતા જોખમી બની ગયું હતું. આથી હાલ તુરંત પુલિયાને બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને પણ અવરજવર ન કરવા અપીલ કરી છે. જેના વિકલ્પે ખોખરા હનુમાનજી અથવા જેતપર બાજુ થઈને જઈ શકાશે. જો કે આ પુલિયા માટે ગ્રાન્ટ મંજુર થઈ ગઈ હોય પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે આચારસહિતા અમલી હોવાથી ચૂંટણી બાદ કામગીરી કરાશે.