દીપડા અને હરણ ના પ્રજનન બાદ અનેક પ્રાણી- પક્ષીઓ એ આપ્યો છે બચ્ચાને જન્મ
૨૩૦ દિવસની ગર્ભાવસ્થા બાદ આપ્યો બચ્ચાને જન્મ.
પ્રવાસીઓના મોટી સંખ્યામાં આગમન વચ્ચે પણ સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં બચ્ચાનો જન્મ મોટી ઘટના.
એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં અત્યારે મંગળ ગાન અને વધામણાંના હરખનું વાતાવરણ છે. અને કેમના હોય ! રાજાને ઘેર પારણું બંધાય એ તો આખા રાજ માટે ખુશી અને આનંદનો પ્રસંગ ગણાય. આવો જ મંગળ અવસર એકતા નગરીની દેશ પરદેશમા વિખ્યાત થતી જતી જંગલ સફારીના આંગણે આવ્યો છે. અહીંના રાજા અને રાણીના ઘેર બે સિંહ બાળોનું આગમન થયું છે.ભલે વિશાળ અને મોકળા પાંજરામાં રહેતા હોય પણ આ સિંહ દંપતી આ માનવ નિર્મિત જંગલમાં રાજવી યુગલના સ્થાને તો છે જ.એટલે એમનું નામ રાજા રાણી રાખવામાં આવ્યું છે.
વન્ય પ્રાણીઓમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રજનન અને બાળ જન્મ બહુધા સામાન્ય બાબત ગણાતી નથી તેવી લાગણી વ્યક્ત કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલે જણાવ્યું કે અહીં ભારતની ઝુ ઓથોરિટીએ નિર્ધારિત કરેલા તમામ માપદંડોને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે. પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓ પછી આજે રાજવી સિંહ દંપતીના આંગણે પારણું બંધાયું છે. સોમવારની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડ થી બે બાળ સિંહોનું સફારી પરિવારમાં આગમન થયું છે.
આ જંગલ સફારી રોજે રોજ પ્રવાસીઓની અવર જવરથી ધમધમતી રહે છે. તેની વચ્ચે સાવ સહજ તણાવ મુક્ત સિંહણ નો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે.
૨૩૦ દિવસ એટલે કે લગભગ સાત મહિના થી વધુ સમયના ગર્ભ કાળ પછી સિંહણ રાણીએ બાળ જન્મ આપ્યો છે. સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી એટલે આ ચુલબુલ બાળ સિંહો કુંવર છે કે કુંવરી એ હાલમાં કહી શકાય તેમ નથી.
યોગ્ય સમયે એમની જાતિ પ્રાણી શાસ્ત્રીઓ નક્કી કરે તે પછી ઉચિત સમયે તેમનું નામકરણ કરવામાં આવશે. ( મમરો: આપણી પરંપરા પ્રમાણે નામ પાડવાનો અધિકાર ફોઈનો.તો સફારી પરિવારમાં સિંહબાળોના નામ પાડવાનો અધિકાર તો દીપડી ફોઈને જ મળશે ને!!!)
એશીયાઇ સિંહ દંપતિના નટખટ અને માસૂમ બાળકોની ચહલ પહલથી પીંજરું અને તેનો માહોલ જીવંત બની ગયાં છે. એકતા નગરીના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંલગ્ન આગવા આકર્ષણ સમાન જંગલ સફારીમાં વન્ય પ્રાણીઓની સારસંભાળ નિપુણ પાલકો ( એનિમલ કીપર ) અને તબીબો દ્વારા લેવામાં આવે છે.હરણ અને દીપડા પછી સિંહ યુગલના પ્રસન્ન દાંપત્યના પગલે પ્રજનન અને સફળ પ્રસવની ઘટના,આ લોકો કેટલા વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્માથી આ વન્ય જીવન સંપદાનું અહીં જતન કરે છે એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે.