કેપશ્યુલ ફાટી જાય તો જીવ જોખમાય માટે કુદરતી હાજતના સહારો લેવાયો
યુગાન્ડાનું કપલ શંકાસ્પદ ડ્રગ્સની તસ્કરી કરતી ઝડપાયુ
અમદાવાદ: અમદાવાદના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત અનોખી રીતે ડ્રગ્સની તસ્કરી ઝડપાઇ છે. યુગાન્ડાથી આવતા એક યુવક અને યુવતી પોતાના પેટમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ સાથે ભરેલા પેટે ઝડપાયા છે. યુવતીના પેટમાંથી 135 જેટલી કેપસ્યુલ કાઢવામાં આવી જ્યારે યુવકના શરીરમાંથી 85 જેટલી કેપસ્યુલ કાઢવામાં આવી.
કઈ રીતે ડ્રગ્સની હેરાફેરી કરતા હતા
યુગાન્ડાથી અમદાવાદ આવતું કપલ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે શંકાસ્પદ હાલતમાં ઝડપાતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો. મોંઘા ભાવનું ડ્રગ્સ કેપસ્યુલમાં પેક કરી સીધે સીધું ગળી જવામાં આવતું અને ત્યાર બાદ કુદરતી હાજત મારફતે ડ્રગ્સ કેપસ્યુલ બહાર કાઢીને વેચવામાં આવતું હતું.
શંકાને આધારે એરપોર્ટ પરથી DRIએ અટકાયત કર્યા બાદ સિવિલ-સોલા સિવિલ લઈ જવાયા હતા
પુરુષના પેટમાં 85, મહિલાના પેટમાં 50 કેપ્સ્યૂલ સંતાડાયેલી હતી, પ્રત્યેક 2 ઈંચ લાંબી હતી
કેન્દ્ર સરકારના ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને મળેલી બાતમીને આધારે બેથી ત્રણ દિવસ પહેલાં સાઉથ આફ્રિકાથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા પુરુષ અને મહિલાની ધરપકડ કરી હતી. તેમજ પુરુષને મેડિકલ માટે સોલા સિવિલ અને મહિલાને સિવિલમાં મોકલ્યાં હતા. સોલા સિવિલમાં પુરુષના પેટમાંથી 85 અને સિવિલમાં મહિલના પેટમાંથી 50થી વધુ શંકાસ્પદ ટેબ્લેટ અથવા કેપ્સ્યૂલ કાઢી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
શંકાસ્પદ હોવાથી બંનેની ધરપકડ કરી
કેન્દ્ર સરકારના ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને માહિતી મળી હતી કે, આફ્રિકાથી એક મહિલા અને પુરુષ પ્રતિબંધિત ડ્રગ્સ લઇને અમદાવાદ એરપોર્ટ ઉતરવાના છે. આ બાતમીને આધારે રવિવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મહિલા અને પુરુષની શંકાને આધારે ધરપકડ કરી હતી. બંનેના પેટમાં કોઇ શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાતાં પુરુષને રવિવારે રાત્રે સોલા સિવિલ હોસ્પિટલ અને મહિલાને મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પ્રોસીજર માટે મોકલતાં પુરુષ અને મહિલાના પેટમાંથી મળીને 135 કેપસ્યુલ કાઢી છે.
એક્સ રેમાં શંકાસ્પદ વસ્તુ જણાઈ
સિવિલના સૂત્રો જણાવે છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી પકડેલી 30થી 35 વર્ષીય મહિલાને મંગળવારે સાંજે ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગના એક અધિકારી મહિલાની મેડિકલ તપાસ અને સારવારના કોર્ટ ઓર્ડર સાથે લઇને આવ્યાં હતા. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મહિલાનો એકસ-રે કરાયો હતો. આ એકસ-રેમાં પેટમાં શંકાસ્પદ વસ્તુુ જણાતા મહિલાને દાખલ કરીને પેટમાં રહેલી 50થી વધુ 1થી 2 ઇંચ જેટલી લાંબી કેપ્સ્યૂલમાં કાઢીને ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને સોંપી છે. હાલમાં પણ આ યુવતી હોસ્પિટલમાં દાખલ છે, હજુ પણ પેટમાં કેપ્સ્યૂલ હોવાની શંકા છે, જેથી ડોક્ટર દ્વારા તપાસ કરાશે, અને છેલ્લી કેપ્સ્યૂલ નીકળી જાય ત્યારબાદ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગને સોંપવામાં આવશે.
સોલા સિવિલ હોસ્પિટલના આધારભૂત સૂત્રો જણાવે છે કે, રવિવારે રાત્રે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા એક 30 વર્ષીય પુરુષને હોસ્પિટલમાં લવાયો હતો. હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા એકસ-રે કરાતાં તેના પેટમાંથી 85 ટેબ્લેટ અથવા કેપ્સ્યૂલ આકારની વસ્તુ કાઢવામાં આવી છે. તેમજ પેટમાંથી બધી ટેબ્લેટ નીકળી જતાં ગુરુવારે સવારે તેને રજા આપતાં ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
શંકાને આધારે બંનેનો એક્સ-રે પડાયો
ડોક્ટરો દ્વારા એકસ-રેમાં પુરુષ અને મહિલાના પેટમાં શંકાસ્પદ વસ્તુ જણાતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમજ હોસ્પિટલના સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા એનીમા આપીને 135 જેટલી કેપ્સ્યૂલ બહાર કાઢવામાં આવી છે.
સર્જરીમાં કેપ્સ્યૂલ ફાટવાનું જોખમ હતું
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા પેટમાં શંકાસ્પદ ડ્રગ્સ સાથે ઝડપાયેલા પુરુષ અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોટેભાગે ડોક્ટર દર્દીના પેટમાં રહેલી વસ્તુ એકથી બે કલાકની સર્જરી કરીને કાઢી લેતાં હોય છે. પરંતુ, મહિલા-પુરુષ પેટમાં શંકાસ્પદ ડ્રગ્સ હોવાની પ્રબળ શક્યતા હતી,જેથી કેપ્સ્યૂલ સર્જરી કરીને કાઢવામાં જો નાની ભૂલથી પણ કેપ્સ્યૂલ ફાટી જાય તો મહિલા અને પુરુષને જીવનું જોખમ ઉભુ થઇ શકે તેમ હતું. જેથી કેપ્સ્યૂલ ફાટી ન જાય તે માટે ડોક્ટરો દ્વારા પુરુષ અને મહિલાને એનીમા આપીને ગુદા માર્ગ વાટે આ કેપ્સ્યૂલ કાઢી હતી.