દિલ્હી: ૧૭’૦૬’૨૦૨૨
દેશમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે ઘરદીઠના બદલે વ્યક્તિદીઠ વાહનો વસાવવા લાગ્યા છે. આ કારણે પાર્કિંગની સમસ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉપરાંત લોકો નજીકના કામો માટે પણ વાહનોનો ઉપયોગ કરવા લાગ્યા છે જેથી પ્રદૂષણ, રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાની સાથે જ આ વાહનો પાર્ક કરવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.
ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટૂંક સમયમાં લાગુ થનારા એક નવા કાયદાનો ઉલ્લેખ કર્યો છે જે પાર્કિંગની સમસ્યા સાથે સંબંધ ધરાવે છે. ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે જેમાં ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ગાડીનો ફોટો મોકલનારી વ્યક્તિને 500 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દરેક જગ્યાએ ગાડીઓ રસ્તા પર પાર્ક કરી દેવામાં આવે છે જેથી ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. ખાસ કરીને દિલ્હીમાં આ સમસ્યા વધારે છે.
ગડકરીએ નવા કાયદા અંગેની માહિતી આપતા જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ગાડીને રોડ પર ખોટી રીતે પાર્ક કરી દેશે ત્યારે ત્યાંથી પસાર થનારી કે ત્યાં રહેતી કોઈ વ્યક્તિ અડચણરૂપ બનતી તે ગાડીનો ફોટો પોતાના મોબાઈલમાં ક્લિક કરીને મોકલી દેશે તો જેથી કરીને ગાડી પાર્ક કરનારી વ્યક્તિને 1,000 રૂપિયાનો દંડ થશે અને તેમાંથી 500 રૂપિયા ફોટો મોકલીને જાણ કરનારી વ્યક્તિને આપવામાં આવશે. આ નવા કાયદાના કારણે પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે.
રોટલી બનાવવા આવનારા પાસે પણ 2 સેકન્ડ હેન્ડ કાર!
ગડકરીએ ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે, લોકો ઘર તો મોટા બનાવી લે છે પરંતુ પાર્કિંગ નથી બનાવતા. આ સાથે જ તેમણે પોતાના ઘરનું ઉદાહરણ આપ્યું કે, નાગપુર ખાતે તેમના ઘરે જે રોટલી બનાવવા આવે છે તેમના પાસે પણ 2 સેકન્ડ હેન્ડ કાર છે.
4 લોકો વચ્ચે 6 ગાડી
ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, ભારતમાં તો એક પરિવારમાં 4 સદસ્યો હોય અને 6 ગાડીઓ હોય તેવું પણ જોવા મળે છે. આ સાથે જ તેમણે દિલ્હીનું ઉદાહરણ આપ્યું હતું કે, દિલ્હીવાળા તો નસીબદાર છે કારણ કે, રોડ તો અમે જાણે તેમની ગાડીઓ પાર્ક કરવા માટે જ બનાવ્યા છે. કોઈ જ લોકો પાર્કિંગ નથી બનાવતા. સૌ લોકો પોતાની ગાડીને રસ્તા પર જ ઉભી રાખી છે. ગડકરીએ પોતાના ઘરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેમણે પોતાના નાગપુર ખાતેના ઘરે 12 ગાડીઓનું પાર્કિંગ બનાવી રાખ્યું છે. તેઓ પોતે ગાડીને રોડ પર પાર્ક નથી કરતા.