મોંઘી બ્રાન્ડના સ્ટીકરો લગાવી બનાવાય છે ડુપ્લીકેટ દારૂ
અમદાવાદ:૨૪’૦૬’૨૦૨૨
અમદાવાદમાં દારૂના શોખીનો માટે આંચકા રૂપ એક કિસ્સો બહાર આવ્યો છે. શહેરના પ્રતિષ્ઠિત વિસ્તાર સેટેલાઈટમાં ડુપ્લીકેટ દારૂનું કારખાનું શહેર પીસીબીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. સેટેલાઈટના માણેકબાગમાં બ્રાન્ડેડ બોટલમાં નકલી દારૂ ભરી વેચવાનું કૌભાંડ પકડાયું છે. પીસીબીની ટીમે રેડ કરીને આરોપી કૃણાલ મચ્છરને ઝડપી લીધો હતો. પોલીસે ફ્લેટમાંથી બ્રાન્ડેડ દારૂના સ્ટીકર, ખાલી બોટલો, ભારતીય બનાવટના દારૂ ભરેલી બોટલ સહિતનો મુદ્દામાલ પકડ્યો છે.
પીસીબીની ટીમે ગુરૂવારે રાત્રે માણેકબાગ હોલ નજીક અભિલાષ એપાર્ટમેન્ટમાં કૃણાલ મયંકભાઈ મચ્છર ઉં,44ના ત્યાં રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના દારૂ ભરેલી રૂ. 44,843 ની 22 બોટલ ખાલી કાચની 56 બોટલ, એક હથોડી, બોટલના 67 ઢાકણ, 162 દારૂની બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, 4 રેપર, ગળણી, એક મોબાઈલ ફોન મળી કુલ ઉ.49,843નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપીઓ બ્રાન્ડેડ બોટલમાં દેશી ઈંગ્લિશ દારૂ ભરી વેચવાનું રેકેટ ચલાવતા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ કૃણાલ મચ્છર સાથે અભિષેક ઉર્ફ ભયલું અને ધર્મેશ ઉર્ફ કાંચો પણ સંડોવાયેલા હતા. પોલીસે કૃણાલની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.