NSUIના નવા પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ દ્વારા પક્ષ છોડવાની ધમકી

અમદાવાદ:૦૨’૦૭’૨૦૨૨
ગુજરાત કોંગ્રેસ એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિનો છેલ્લા કેટલાય વર્ષોથી સામનો કરી રહી છે. હાર્દિક પટેલથી લઈને જિલ્લા તાલુકાના નાના નાના પદાધિકારીઓ અને કાર્યકરો એક પછી એક કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. ત્યારે હવે NSUI માટે નવા પ્રમુખ નરેન્દ્ર સોલંકીની પદનીયુક્તિ પણ આગમાં ઘીનું કામ કરી રહી છે.
NSUI ના પ્રમુખ તરીખે નામની જાહેરાત સાથે NSUIમાં બે ફાળ પડી છે. NSUIના મહામંત્રી પાર્થ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાત NSUIમાં વર્ષોથી કામ કરનાર વિદ્યાર્થીઓ માટે લડનારા અને અનેક પોલીસ કેસ અને લાઠીચાર્જ સહન કરનાર કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે. કોંગ્રેસની જુથબંધીનો ભોગ NSUIમાં સાચા કાર્યકર્તાઓ બને છે.પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી પાર્ટીના જુથબંધી થાળે પાડવા NSUIના પદોનો દુરઉપયોગ કરી રહ્યા છે. પ્રભારી રઘુ શર્મા દ્વારા NSUIના પદોનો વેપાર કરવામાં આવ્યો છે. જેથી NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા બાંહેધરી આપવામાં નહીં આવે તો કાલે લીસ્ટ સાથે જ અમદાવાદની કોલેજ અને યુનિવર્સિટીના૫૦૦ જેટલા હોદ્દેદારો રાજીનામુ આપશે અને રઘુ શર્મા દ્વારા આમ જ દખલગીરી કરી તો આવનાર દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લામાં હોદ્દેદારો રાજીનામુ આપશે.
પાર્થ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી ડો. રઘુ શર્મા પર પણ ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે રઘુ શર્માને લઈને કહ્યું હતું કે, તેઓ જ્યારથી આવ્યાં છે ત્યારથી પાર્ટીમાં પદ આપવાનો વેપાર બની ગયો છે. પાર્ટીના નેતાઓ પદ માટે બોલી લગાવી રહ્યાં છે. સિનિયરને સાઈડમાં રાખીને જુનિયરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. મોટા નેતાઓની જૂથબંધીનો શિકાર NSUI બની રહ્યું છે. અમે આજે બપોરે ગુજરાત યુનિવર્સિટી ખાતે એકઠા થઈને તમામ પદ પરથી રાજીનામું આપીશું.