ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર
વડોદરામાં બાઈક ઉપર જઈ રહેલા PSI ને અજાણ્યા વાહને ટક્કર મારવાનો મામલો! PSI નું મોત, મૃતક PSI ના પત્ની પણ વડોદરામાં ASI તરીકે ફરજ બજાવે છે
વડોદરા : ૧૭’૦૮’૨૦૨૨
આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા કરજણ નેશનલ હાઇવે 48 ઉપર માંગલેજ ચોકડી પાસે 17 દિવસ પહેલા અકસ્માતમાં ભોગ બનેલા નારેશ્વર આઉટ પોસ્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIનું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર પીએસઆઇ નોકરી પતાવીને પોતાની બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પીએસઆઇના પત્ની વડોદરા મહિલા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવે છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, વડોદરા સીટી પોલીસ લાઈનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા 1-8-22ના રોજ સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઈક પર વડોદરા આવી રહ્યા હતા.
ઘરે આવતા પહેલા પીએસઆઇ રવિચન્દ્રભાઈએ પોતાની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે, હું નારેશ્વર આઉટપોસ્ટમાં છું અને વડોદરા આવવા માટે નીકળી રહ્યો છું. આ દરમિયાન કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
આ અકસ્માતની ઘટનામાં પીએસઆઇ રવિચન્દ્રભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે, PSIની બાઈકને અજાણ્યા પોલીસના વાહને ટક્કર લગાવી હતી. ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા પીએસઆઇ ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા પીએસઆઇ ના બે દીકરાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાર પાંચ દિવસ સારવાર મળ્યા બાદ પીએસઆઇ ની વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોડી સાંજે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પીએસઆઇ ના મૃત્યુ ના સમાચાર સાંભળીને સમગ્ર પોલીસ તંત્રમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.