વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વસ્થ કુટુંબ, સ્વસ્થ ભારત’ મિશનને સાકાર કરતી દિશામાં ગુજરાત સરકારનો ભગીરથ પ્રયાસ : મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
૯ સપ્ટેમ્બર થી ૨૦ ઓક્ટોબર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધોરણ ૫ થી ૮ નાં બાળકોમાં એનિમિયાનું પ્રમાણ શોધી તેનું વર્ગીકરણ કરીને જરૂરી સારવાર હાથ ધરાશે
સગર્ભા તથા સ્તનપાન કરાવતી મહિલાઓ અને ૫ વર્ષથી નીચેનાં બાળકોમાં એનિમિયાનું પ્રમાણ દૂર કરવાનો ગુજરાત સરકારનો પ્રયાસ
અમદાવાદ:૦૯’૦૯’૨૦૨૨
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે એનીમિયા મુક્ત ગુજરાત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના ‘મેગા પાન ઈન્ડિયા એનીમિયા ડીટેકશન એન્ડ કંટ્રોલ કેમ્પ્સ’ પહેલનો આજે અમદાવાદ શહેરના મણિનગરમાં આવેલી ગુજરાતી શાળા નંબર – 6 ખાતે થી પ્રારંભ કરાવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં 9 સપ્ટેમ્બર થી 20 ઓક્ટોમ્બર સુધી ચાલનાર આ કેમ્પસમાં ધોરણ ૫ થી ૮નાં બાળકોમાં એનિમિયાનું પ્રમાણ અને વર્ગીકરણ શોધવાનું કામ કરીને બાળકોના બાહ્ય તથા આંતરિક પરિબળોનું પણ વર્ગીકરણ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા ‘સ્વસ્થ કુટુંબ, સ્વસ્થ ભારત મિશનની દિશામાં ગુજરાત સરકારના સ્વસ્થ ગુજરાત થકી સ્વસ્થ ભારત બનાવવાના ભગીરથ પ્રયાસરૂપ આ પહેલ હાથ ધરવામાં આવી છે.
આ પહેલ સગર્ભાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ, પાંચ વર્ષથી નીચેનાં બાળકોમાં તથા શાળાએ જતાં બાળકોમાં એનિમિયાનું પ્રમાણ દૂર કરવા માટે ઉદાહરણરૂપ સાબિત થશે તેવો ભાવ મંત્રી શ્રી એ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય ‘મા અને મા વાત્સલ્ય કાર્ડ’ દ્વારા નાગરિકોને આરોગ્ય કવચ આપનાર દેશનું સૌ પ્રથમ રાજ્ય છે જેને 11 વર્ષ પૂર્ણ થયા છે. આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા એકબીજા સાથે જોડાયેલ હોય, ગુજરાત સરકાર આ તમામ પાસાને યોગ્ય ન્યાય આપે છે.
ગુજરાતના સુશાસનના છેલ્લા ૨૧ વર્ષનું સરવૈયું આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોનું શાળામાં જ નામાંકન થાય છે. છેવાડાના માનવીથી લઈને ખેડૂતો તથા ઉદ્યોગોની ચિંતા, તેની ભાવિ યોજના ઘડવાનું કામ ગુજરાત સરકારની અસરકારક નીતિઓને આભારી છે. આ સાથે મંત્રીશ્રીએ આ ‘એનિમિયા મુક્ત ગુજરાત’ યોજના સાથે જોડાયેલ સૌ સંસ્થાઓ અને વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અંતર્ગત મિશન પિંક હેલ્થ વિંગના સહયોગથી અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ‘મેગા પાન ઈન્ડિયા એનીમિયા ડીટેકશન એન્ડ કંટ્રોલ કેમ્પ’નું આયોજન કરવામાં આવશે.
આશરે ૧૦ હજાર જેટલાં બાળકોની ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મહિલા તબીબો દ્વારા શારીરિક તપાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બાળકોનું વજન તથા ઊંચાઈનું માપ કરાવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બાળકોના લોહીની તપાસ કરીને એનિમિયાનું નિદાન કરવામાં આવશે. માઇલ્ડ તથા મોડરેટ એનિમિયા ધરાવતાં બાળકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા લોહીની સીરપ તથા કૃમિનાશક ટેબ્લેટ આપવામાં આવશે.
ગંભીર એનિમિયા ધરાવતાં બાળકોને ખાનગી તબીબો દ્વારા સારવાર આપી દર મહિને બાળકોનું રેગ્યુલર ફોલો અપ લેવામાં આવશે. બાળકોની લોહીમાં આયર્નની માત્રા વધે તે માટે ખાનગી તબીબો દ્વારા બાળકોને આયર્નવર્ધક ખોરાકની સમજણ આપવામાં આવશે. આ વિષયમાં બાળકોને આરોગ્યને લગતું શિક્ષણ આપી વિડિયો દ્વારા તેમને જાગૃત કરવામાં આવશે.
પાંડુરોગ કે એનીમિયા એ ભારતમાં અને ગુજરાત રાજ્યમાં આરોગ્યને લગતો એક મોટો અને ગંભીર મુદ્દો છે. ગુજરાત રાજ્યમાં સગર્ભા માતાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓમાં પાંચ વર્ષથી નીચેના બાળકોમાં તથા શાળાએ જતા બાળકોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ બીમારીનો ભોગ બનેલી મહિલાઓમાં તથા બાળકોમાં માનસિક તથા શારીરિક વિકાસનો અભાવ પણ જોવા મળે છે.
એનીમિયાએ સગર્ભા માતાઓ અને મહિલાઓમાં તથા બાળકોમાં બીમારી તથા મૃત્યુ કારણ છે. મહિલાઓમાં ડિલિવરી દરમિયાન ઘણું મોટું જોખમ ઊભું થાય છે જેના કારણે ઘણા બધા કેસોમાં મૃત્યુ પણ જોવા મળે છે. ગર્ભ વિકાસમાં ખામી તથા નવજાત શિશુનું ઓછું વજન એ એનિમિયાની મોટી અસર છે. ભારત સરકારે અને ગુજરાત સરકારે એનિમિયાની ગંભીર નોંધ લઈ એનિમિયા મુક્ત ભારતનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી લોચન સહેરા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ, રેડ ક્રોસ ઇન્ડિયાના કર્મચારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.