નવી બનાવેલી ૧૪ વન તલાવડીઓમાં સચવાયું છે વરસાદી પાણી
જંગલ અને જંગલ જીવોના પ્રબંધનમાં ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો ખૂબ ઉપયોગી બને છે
ઉનાળામાં જ ભૂમિ અને ભેજ સંરક્ષણના કામોની પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે
છોટાઉદેપુર: ૧૦:૦૯:૨૦૨૨
ચોમાસું ધીમે પગલે વિદાય લઈ રહ્યું છે. જો કે છોટાઉદેપુર વન વિસ્તારમાં ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો હેઠળ આ વર્ષે બાંધવામાં આવેલી ૧૪ જેટલી વન તલાવડીઓ અને ૨૬ જેટલી પર્કોલેશન ટેંકસમાં વરસાદી પાણી હજુ લહેરાઈ રહ્યું છે.ચોમાસાને સાચવવાના આ માળખા જંગલ વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ વધારીને વન્ય પ્રાણીઓ અને વૃક્ષ સંપદાને જીવવાનો આધાર આપે છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો સંકલિત રીતે દર વર્ષે જળ સંચય અભિયાન ચલાવે છે જેનો હેતુ વિવિધ રીતે વરસાદી પાણીને સાચવવાનો અને જમીનમાં ઉતારવાનો છે.તે જ રીતે વન વિભાગ સંરક્ષિત જંગલ વિસ્તારમાં ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો હાથ ધરે છે જેનો હેતુ વરસાદી પાણીને સાચવીને ભૂગર્ભ જળ સ્તર સુધારવાનો અને જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને વૃક્ષ ઉછેરને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવાનો છે.
વન્ય પ્રાણી જીવન અને હરિયાળી વૃક્ષ સંપદાના પ્રબંધનમા ભૂમિ અને ભેજ સંરક્ષણના કામોની આગવી ઉપયોગિતા છે એવી જાણકારી આપતાં છોટાઉદેપુર વન વિભાગના નાયબ વનસંરક્ષક શ્રી વી.કે.દેસાઈ જણાવે છે કે ઉનાળામાં જ આ કામોની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવે છે અને રોપ વાવેતર માટે જરૂરી ખાડા બનાવી લેવામાં આવે છે.તેના પરિણામે વરસાદ શરૂ થાય તેની સાથે જ પાણીનો સંગ્રહ શરૂ થઈ જાય છે. રોપા વાવવા માટેના ખાડા ઉનાળામાં સૂર્યના તાપમાં તપે છે તેનું સોલરાઈઝેશન થવાથી માટીમાં પોષક તત્વો વધે છે જે વૃક્ષના વિકાસ ને પ્રોત્સાહિત કરે છે.
વન તલાવડી,પરકોલેશન ટેન્ક, ચેક વોલ અને ચેક ડેમ જેવા માળખાથી વરસાદનું પાણી વહી જતું અટકે છે અને સચવાય છે,આ પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે છે, તેના બાષ્પીભવનથી વાતાવરણમાં જરૂરી ભેજ જળવાય છે.
ઢાળ વાળા વિસ્તારોમાં વરસાદ થી માટીનું ધોવાણ અટકે છે જેથી જમીન સચવાય છે.
જંગલમાં તૃણાહારી પ્રાણીઓ અને હિંસક માંસાહારી પ્રાણીઓ વચ્ચે ની ભોજન કડી જાળવવી અનિવાર્ય છે.આ કામોને લીધે વન વિસ્તારમાં જ પાણી અને ઘાસચારો મળી રહે છે.એટલે તૃણાહારી અને હિંસક પ્રાણીઓને ખોરાક અને પાણીની શોધમાં જંગલ બહાર નીકળતા નિયંત્રિત કરી શકાય છે.જેથી માનવ અને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ ટાળવામાં મદદ મળે છે.
આમ,ભૂમિ અને ભેજ સંરક્ષણના કામોની વાઈલ્ડ લાઈફ મેનેજમેન્ટમાં આડકતરી પણ ખૂબ ઉપયોગી ભૂમિકા છે.
નાયબ વન સંરક્ષક શ્રી દેસાઈના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક શ્રી કે.એમ.બારીયા અને ક્ષેત્રિય વન કર્મયોગીઓ એ ૨૦૨૨ માં છોટાઉદેપુર વન વિભાગમાં ચોમાસું પાણીને સાચવવાનું નમૂનેદાર કામ કર્યું છે.
તેની એક ઝલક આપતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી નિરંજન રાઠવા જણાવે છે કે પાણી સાચવવાના મલખાઓમાં લંબચોરસ આકારમાં ખોદવામાં આવતી ખાઈઓ જેને કંટુર ટ્રેંચ કહેવાય છે, એ પણ ખૂબ ઉપયોગી છે.તે સારા એવા પ્રમાણમાં પાણી સાચવીને જમીનમાં ઉતારે છે.આવી ૨૦ હજાર જેટલી ટ્રેન્ચ બનાવવામાં આવી છે.
૧૪ જેટલી વન તલાવડી બનાવવામાં આવી છે જેનું પાણી વન્ય પ્રાણીઓને પીવાના કામમાં આવે છે,નજીકમાં ખેતર ધરાવતા ખેડૂતો પિયત માટે ઉપયોગ કરી શકે છે,પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ ઊંચું આવે છે જે વૃક્ષોના વિકાસમાં પ્રોત્સાહક બને છે.આમ આ કામો જંગલની હરિયાળી સાચવવા માટે પણ અગત્યના છે.
૨૦૨૨ ના વર્ષમાં વન તલાવડી થી નાની પણ ચોરસ તળાવ જેવી ૨૬ પરકોલેશન ટેન્ક બનાવવામાં આવી છે જે પાણીને જમીનમાં ઉતારવામાં ખૂબ ઉપયોગી છે.
આ ઉપરાંત ૦૫ ચેકડેમ અને ૮ ચેકવોલ બનાવવામાં આવ્યા છે જે નદી કોતર વિસ્તારમાં જમીનનું ધોવાણ અટકાવીને વરસાદી પાણીને લાંબા સમય સુધી સાચવે છે.
જંગલનો વિકાસ અને જાળવણી મુખ્યત્વે પાણી પર આધારિત છે.છોટાઉદેપુર વન વિભાગની ટીમ વરસાદી પાણીને જંગલમાં સાચવવાનો વ્યાયામ કરીને વન્ય જીવન અને જંગલ જીવનને જાળવવાનું આવકાર્ય કામ કરે છે.