અમદાવાદ:૧૮’૦૯:૨૦૨૨
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યાં છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોમતીપુરમાં એક ચાલીની બહાર બેઠેલા લોકો પર 4 શખસોએ આવીને કાચની બોટલ ફેંકી દોડાવીને એક વ્યક્તિને છરી મારતા હતા. ત્યારે અન્ય વ્યક્તિ છોડાવવા વચ્ચે પડતાં 4 શખ્સોમાંથી એક શખ્સે રિવોલ્વરથી ફાયરિંગ કરતાં તેને માથામાં ગોળી વાગતાં સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ચારની ટોળકીએ ધમકી બાદ હુમલો કર્યો
ગોમતીપુરમાં ગજરા કોલોની પાસે મહેશ ઉર્ફે સુલતાન અને તેના મિત્રો 16 સપ્ટેમ્બરે રાતના સમયે ભાવેશ સોલંકીને જૂની અદાવતમાં માર મારી રહ્યા હતા. આ બાદ ભાવેશ ઘરે જતો રહ્યો હતો, ત્યારે તેને ફોન કરીને સુલતાન ધમકી આપી રહ્યો હતો. 17 સપ્ટેમ્બરે પણ વિશાલ પરમાર, ભાવેશ સોલંકી, હિતેશ વાઘેલા, જીતેન્દ્રભાઈ અને અન્ય ચાલીના માણસો બેઠા હતા, ત્યારે પણ સુલતાનના ફોન આવી રહ્યા હતા અને તે ભાવેશને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ત્યારબાદ 18 તારીખે રાતે 3 વાગે ચાલીની બહાર બધા બેઠા હતા, ત્યારે સુલતાન ગાડીમાં આવ્યો અને ધમો તથા અન્ય 2 વ્યક્તિઓ એક એક્ટિવા પર આવ્યા હતા.
કાચની બોટલ ફેંકતા એક વ્યક્તિ પડી ગઈ તેને છરી મારી
સુલતાને એક્ટિવા પર આવેલા લોકોને મારો કહેતા પ્રવાહી ભરેલી કાચની બોટલ ચાલીની બહાર બેઠેલા લોકો પર ફેંકી હતી. જેથી લોકો દોડધામ કરવા લાગ્યા હતા. આ દરમિયાન જીતેન્દ્રભાઈ ભગત પડી ગયા હતા. જેમને ધમા અને અન્ય 2 ઈસમોએ પગના ભાગે છરી મારી દીધી હતી. જીતેન્દ્રભાઈને છોડાવવા વિશાલ પરમાર અને હિતેશ વાઘેલા વચ્ચે પડ્યા હતા, ત્યારે સુલતાને ગાડીમાં બેસીને કહ્યું- મારો મારો, જેથી ધમાએ તેની પાસેની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગમાં હિતેશને લમણે ગોળી વાગી
ફાયરિંગ દરમિયાન હિતેશ વાઘેલાને માથાના ભાગે લમણે ગોળી વાગી હતી. ગોળી વાગતાં ચારેય ઈસમો નાસી ગયા હતા. હિતેશ વાઘેલાને રિક્ષામાં બેસાડીને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હિતેશ વાઘેલાનું મોત થયું હતું. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી સુલતાન વિરુદ્ધમાં અગાઉ પણ પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે.