
♦ ફોટો લગાવાય તો બુદ્ધિશાળી-ઈમાનદાર નેતા લોકો ચૂંટી શકે: અરજદાર
♦ ચૂંટણી રાજનીતિક પક્ષ સાથે જોડાયેલી છે, જો ચૂંટણી પંચ આ માંગણી પર વિચાર કરે તો ન્યાયનો અંત કહેવાશે: મુખ્ય ન્યાયાધીશ લલિત
ગાંધીનગર:૦૨’૧૧’૨૦૨૨
ચૂંટણીમાં મતપત્રક અને ઈવીએમમાં પાર્ટીના ચૂંટણી ચિહનને બદલે ઉમેદવારનો ફોટો, નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને સુનાવણીનો ઈન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા અને વકીલ અશ્ર્વિનીકુમારની આ અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો હતો જેમાં બેલેટપત્રક કે ઈવીએમમાં પાર્ટીના ચિહનને હટાવવાની માંગણી કરાઈ હતી.
ઉપાધ્યાય તરફથી રજૂ થયેલ વરિષ્ઠ વકીલ વિકાસસિંહ અને ગોપાલ શંકરનારાયણે બંધારણની કલમ 14 અને 21ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈવીએમ પર પાર્ટીના ચિહનોનું પ્રદર્શન મતદાતાઓની પસંદ અસર કરે છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓમાં અપરાધ વધ્યા છે.
આ મુદે મુખ્ય ન્યાયાધીશ યુ.યુ.લલીતની અધ્યક્ષતા વાળી પીઠે જણાવ્યું હતું કે જો ભારતીય ચૂંટણી પંચ દ્વારા અરજદારોના પ્રતિનિધિત્વ પર વિચાર કરવામાં આવે તો તે ન્યાયનો અંત ગણાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંધારણની 10મી અનુસૂચિ, રાજકીય પક્ષો અને ધારાસભ્ય દળને માન્યતા આપે છે. ચૂંટણી રાજકીય દળ સાથે જોડાયેલી છે. આધાર એ છે કે મતદાતાઓએ ઉમેદવાર ચૂંટયો છે પણ તે પોતાના રાજકીય પક્ષને ન છોડી શકે.
આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જો ઈવીએમ કે બેલેટ પેપરમાં ચૂંટણી ચિહનના બદલે ઉમેદવારનો ફોટો અને અન્ય વિગતો દર્શાવાય તો મતદારને બુદ્ધિશાળી, મહેનતુ અને ઈમાનદાર ઉમેદવારનો સમર્થન આપવામાં મદદ મળે, સાથે સાથે ટિકીટ વહેચણીમાં રાજકીય પક્ષોના હાઈકમાન્ડની મનમાની પર રોક લાગે.