અમદાવાદ 02:12:2021
ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે કોંગ્રેસે મોટું રાજકીય નિવેદન કર્યું છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે થયેલા મતદાનમાં 55 સીટ જીતવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ અમદાવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે અને પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે. જ્યારે અન્ય રિપોર્ટ મુજબ કોંગ્રેસે કેબિનેટમાં કયા ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે.
કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ તો પત્રકારો સમક્ષ ત્યાં સુધી દાવો કર્યો હતો કે ભાજપને ભાજપના જ લોકો હરાવી રહ્યા છે. એન્ટિ ઈન્કમ્બન્સીના ફેક્ટરને ખાળવા આ વખતે ભાજપે જે લોકોની ટિકિટ કાપી હતી તેમણે જ ગઈકાલે કોંગ્રેસને ભરપૂર ફાયદો કરાવ્યો છે. ભાજપના બળવાખોરો તેમજ જેમની ટિકિટ કપાઈ છે તેઓએ કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે.
કઈ કઈ બેઠકો કોંગ્રેસ જીતશે
પ્રથમ તબક્કામાં જે રીતે માત્ર ગામડાં જ નહીં, શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસને લોકોનું સમર્થન મળ્યું તેનાથી ભાજપના નેતાઓ ઘાંઘા થઈ ગયાનો આલોક શર્માએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતા અમિત શાહે ગઈકાલે રાતે બે વાગ્યા સુધી ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક નેતાઓનો કલાસ લીધો હતો. તેમણે આ ચૂંટણીમાં ભાજપનું સંગઠન અને પેજપ્રમુખની સ્ટ્રેટેજી સદંતર નિષ્ફળ રહી હોવા અંગે રોષ વ્યક્ત કરતા તેમની આંખો લાલ થઈ સૂજી ગઈ હતી એવું પણ શર્માએ ઉમેર્યું હતું.