ચોવીસ કલાક અગાઉ પોલીસ દ્વારા 82 પરિવારના રાંધણગેસના બાટલા હટાવ્યા
અમદાવાદ:02’12’2022
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ભવ્ય રોડ શો કર્યો. અને ત્યાર બાદ બાપુનગર વિધાનસભાના સરસપુર વિસ્તારમાં મસમોટી સભા કરી મોટી જનમેદની એકત્ર કરી.
પરંતુ બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સરસપુર સભા સ્થળ વિક્રમ મિલના મેદાનની પાસે વર્ષોથી રહેતા વિક્રમ મિલની ચાલીના 82 પરિવાર માટે મોદીની રેલી સભા એક દિવસનો ઉપવાસ સાથે આવી.
વિક્રમ મિલની ચાલીના સ્થાનિક મોહનભાઇ પરમારે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, શહેર પોલીસકર્મીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષાના પગલે અગમચેતી દાખવી વિક્રમ મિલની ચાલીના 82 પરિવારોને 24 કલાક અગાઉ ચેતવણી આપી અને રાંધણગેસના બાટલા દૂર કરવા કહ્યું. પરિણામે વિક્રમ મિલની ચાલીમાં રહેતા લોકોએ આસપાસ રહેતા સગા સબંધીઓના ઘરે ગેસના બાટલા પહોંચતા કર્યા.
સ્થાનિક ધનજીભાઈ પરમારે જણાવ્યું કે, ઘરમાં રાંધણગેસ ના હોય તો જમવાનું બને ક્યાંથી બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ માટે ભાજપ દ્વારા ફૂડ પેકેટ અને નાસ્તાપાણીની વ્યવસ્થા કરી પરંતુ કોઈએ વિક્રમ મિલની ચાલીના 82 પરિવારોને મદદ સુદ્ધા ના કરી.
કહેવાય છે કે વ્યક્તિના મન સુધી પહોંચવું હોય તો તેને ભરેલા પેટે મનની વાત કરવી જોઈએ પરંતુ ઉત્સાહના અતિરેકમાં આજે 82 પરિવારોને ઉપવાસ કરવાનો વારો આવ્યો ત્યારે તેની સીધી અસર બાપુનગર વિધાનસભાની ચૂંટણીના મતદાન પર પડે તો નવાઈ નહીં.