બાપુનગરના ડાયમંડ માર્કેટ પાસે ખાનગી પેઢીના કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને નીકળતા બે જેટલા આરોપીઓ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી ફરાર
અમદાવાદ: 12’12:2022
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગતરાત્રિથી અમદાવાદ આવ્યા છે તેઓ આજે ગાંધીનગર રાજ્ય સરકારની શપથ વિધિમાં હાજર છે. પોલીસનો ચારે તરફ કડક બંદોબસ્ત છે ત્યારે શહેરમાં ફરી એક વખત લૂંટનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના બાપુનગર વિસ્તારમાં રૂપિયા 20 લાખની લૂંટની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બાપુનગરના ડાયમંડ માર્કેટ પાસે ખાનગી પેઢીના કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને નીકળતા બે જેટલા આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં રૂપિયા 20 લાખ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને આરોપીઓને પકડવા કામે લાગી ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મચારી ગઇકાલે 20 લાખ રૂપિયા લઇને તેના ઘરે ગયો હતો. આજે સવારે કર્મચારી જ્યારે રૂપિયા લઇને નિકળ્યો ત્યારે બે લૂંટારૂઓ તેનો પીછો કરી રહ્યા હતા. કર્મચારી જ્યારે ઓફિસે પહોચ્યો ત્યારે બન્ને શખ્સોએ તકનો લાભ લઇને લૂંટની ઘટનાને અંજામ આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મચારી પણ શંકાના ડાયરામાં છે. કારણે તેની પાસે 20 લાખ જેટલી માતબર રકમ છે, તેની જાણ લૂંટારૂઓને કેવી રીતે હોઇ શકે છે. કર્મચારી તેના ઘરેથી નીકળ્યો ત્યારથી લઇને ઓફિસ સુધી પહોચ્યો તેના સીસીટીવી ફૂટેજ કબજે કરવા માટે પોલીસે તજવીજ શરુ કરી છે. આ સિવાય હીરાવાડીમાં આવેલા તમામ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ કબજે કરશે. વીસ લાખની લૂંટના સમાચાર મળતાની સાથે જ ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
લૂંટની ઘટના બનતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. આરોપીઓ દ્વારા પહેલા નક્કી કરવામાં આવ્યું હોય ત્યાર બાદ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. બાપુનગરમાં અનેક ખાનગી પેઢીઓ આવેલી છે. જેથી સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ પોલીસ દ્વારા ફરિયાદ લઈને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આર.અશોક પેઢીના કર્મચારીને લૂંટી લેવામા આવ્યો છે. જેથી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.