આગામી 2, ઓક્ટોબર 2023 થી દેશીવ્યાપી પત્રકાર સુરક્ષા યાત્રાનું આયોજન
“પત્રકાર સુરક્ષા યાત્રા” પોરબંદર થી શરૂ થઈ 20 થી વધુ રાજ્ય નો પ્રવાસ કરી દિલ્હીમાં વિરામ લેશે
રાજકોટ :16’12’2022
દેશના 20 થી વધુ રાજ્યોમાં પ્રદેશથી લઈને તાલુકા સ્તર સુધીનું સંગઠન ધરાવતા ભારતનાં સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) દ્વારા દેશવ્યાપી પત્રકાર સુરક્ષા કાનૂન ને લઈને આંદોલનનો શંખનાદ કરવામાં આવ્યો છે.
છત્તીસગઢના સારંગગઢ ખાતે પ્રદેશ સ્તરીય પત્રકારોની કાર્યશાળામાં સેંકડો ની સંખ્યામાં ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં હાલ પત્રકારત્વ પોતાની ગરિમા ખોઈ રહ્યું છે અને સ્વતંત્ર પત્રકારત્વ હવે ઇતિહાસની ગર્તામાં વિલન થવા જઈ રહ્યુ છે ત્યારે જો આગામી સમયમાં દેશ અને સંવિધાનને બચાવી રાખવું હશે તથા લોકતંત્રની ગરિમાને જાળવવી હશે તો પત્રકાર સુરક્ષા કાનૂન એ એકમાત્ર ઉપાય છે. દેશની ચોથી જાગીર જ્યારે બદ થી બદતર પરિસ્થિતિ તરફ ધકેલાઈ રહી છે ત્યારે જ્યાં સુધી પત્રકાર આર્થિક, સામાજિક અને શારીરિક સુરક્ષા ની રીતે સક્ષમ અને મજબૂત નહી બને ત્યાં સુધી લોકતંત્રના બાકીના ત્રણે સ્તંભો પણ મજબૂત નહીં બની શકે. દેશ વ્યાપી પત્રકાર સુરક્ષા આંદોલનની ઘોષણા કરતા જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશની નજર હાલ છત્તીસગઢ તરફ છે. અમે ઈચ્છીએ છીએ કે ટૂંક સમયમાં છત્તીસગઢ દેશ નું પહેલું રાજ્ય બને જ્યાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવે તે હેતુથી ABPSS દ્વારા દેશવ્યાપી પત્રકાર સુરક્ષા મહા અભિયાન ચલાવવામાં આવશે. પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે ગુજરાતના પોરબંદરથી ગાંધીજીના જન્મદિન 2, ઓકટોબર, 2023 નાં દિવસે “પત્રકાર સુરક્ષા યાત્રા” શરૂ કરવામાં આવશે જે 20 થી વધુ રાજ્યોમાંથી પસાર થઈને 6, ડિસેમ્બર,2023 ડૉ.બાબાસાહેબ આંબેડકર ના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે દિલ્હીમાં વિરામ લેશે. પત્રકાર સુરક્ષા યાત્રા દરમિયાન દેશભરના તમામ સ્તર નાં પત્રકારોને એક મંચ પર લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે તથા પત્રકાર સુરક્ષા કાનૂનની ડ્રાફ્ટની કોપીઓ પણ પત્રકારોને વિતરિત કરવામાં આવશે તેમજ સમગ્ર દેશમાંથી એક લાખથી વધુ પત્રકારોની સહીઓ આવેદન સ્વરૂપે એકત્રિત કરવામાં આવશે. આ દેશવ્યાપી મહા અભિયાનને સફળ બનાવવા માટે લોકતંત્ર અને સંવિધાનમાં વિશ્વાસ ધરાવતા વિવિધ બિનસરકારી સંગઠનો, એનજીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, માનવ અધિકાર સંગઠનો તેમજ વિવિધ રાજકીય અને બિન રાજકીય કાર્યકર્તાઓનો સાથ સહકાર પણ મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. પત્રકાર સુરક્ષા યાત્રાનો એકમાત્ર ઉદેશ્ય દેશભરના પત્રકારોની માંગને અનુરૂપ પત્રકાર સુરક્ષા કાનુન નો કેન્દ્ર સરકાર દ્વારા અમલ કરાવવાનો છે જેના દ્વારા પત્રકારોને સંવૈધાનિક ઓળખ અને કાયદાનું સંરક્ષણ પ્રાપ્ત થશે. સમગ્ર દુનિયામાં સલામતીના દ્રષ્ટિકોણથી પત્રકારત્વ ક્ષેત્રે ભારતનું સ્થાન નિમ્ન થી નિમ્ન સ્તર તરફ જઈ રહ્યું છે ત્યારે પત્રકાર સુરક્ષા કાનૂન એકમાત્ર વિકલ્પ છે જેની પત્રકારોને અને સમગ્ર દેશને સવિશેષ જરૂર છે. કાર્યશાળા સંપન્ન થયા બાદ મળેલી “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ની રાષ્ટ્રીય કાર્યકારિણીની ની બેઠકમાં યાત્રાની તૈયારી બાબતે મનોમંથન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પત્રકાર સુરક્ષા યાત્રાને સફળ બનાવવા માટે કામ પર લાગી જવા દેશભરના પત્રકારોને અનુરોધ કરવામાં આવેલ આવ્યો હતો. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, નવી દિલ્હી, કર્ણાટક, તેલંગાણા સહિતના રાજ્યોના પત્રકાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ ઉપરાંત “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ના ગુજરાત નાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અજય પરમાર અને કારોબારી સદસ્ય જીતુભાઈ લખતરિયાએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. સારણગઢ ખાતે યોજાયેલ પત્રકારોની કાર્યશાળા માં છત્તીસગઢ સરકાર નાં કેબિનેટ પ્રધાન ઉમેશ પટેલ અને નગર વિકાસ મંત્રી ડૉ. શિવ ડહરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. નગર વિકાસ મંત્રી ડૉ. શિવ ડહરિયા એ આ તકે સારણગઢ શહેર માં પત્રકાર ભવન નાં નિર્માણ માટે રૂ.20 લાખ ની ગ્રાન્ટ ફાળવણી ની જાહેરાત કરી હતી. દેશનાં સુપ્રસિદ્ધ હાસ્ય કવિ પદ્મશ્રી સુરેન્દ્ર દુબે એ મંચ સંચાલન કર્યું હતું.